લોનાવલામાં ઓટીટી પ્લૅટફોર્મ માટે પૉર્ન ફિલ્મ શૂટ કરનારાઓ પર પોલીસની રેઈડ
પાંચ યુવતી સહિત 13ની ધરપકડ: બંગલોના ત્રણ કૅરટેકર વિરુદ્ધ પણ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોનાવલામાં આવેલા બંગલોમાં ઓટીટી પ્લૅટફોર્મ પર રિલીઝ કરવા માટે પૉર્ન ફિલ્મનું શૂટિંગ કરનારાઓ પર પોલીસે કાર્યવાહી કરી પાંચ યુવતી સહિત 13 જણની ધરપકડ કરી હતી. પોલીસે બંગલોના ત્રણ કૅરટેકર સહિત 18 જણ સામે ગુનો નોંધી કૅમેરા સહિતનાં સાધનો પણ જપ્ત કર્યાં હતાં.
લોનાવલા ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સત્યસાંઈ કાર્તિકના જણાવ્યા મુજબ લોનાવલા ગ્રામીણ પોલીસની હદમાં મળવલી સ્થિત પાટણ ગાંવમાં આવેલા એક બંગલોની અગાશી પર અમુક લોકો અશ્ર્લીલ વીડિયો શૂટ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. માહિતીની ખાતરી કરી પોલીસની ટીમે શુક્રવારની રાતે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: રામ મંદિરના પૂજારીનો ફેક વીડિયો વાયરલ કરવા બદલ કૉંગ્રેસી નેતાની ધરપકડ
પોલીસની ટીમ બંગલોમાં પહોંચી ત્યારે શૂટિંગ સાથે સંકળાયેલા 15 જણ હાજર હતા, જેમાં પાંચ યુવતીનો સમાવેશ થાય છે. યુવતીઓ સાથે અશ્ર્લીલ વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો. આ યુવતીઓ દેશનાં અલગ અલગ રાજ્યોમાંથી આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે વેબસાઈટ અને ઓટીટી પ્લૅટફોર્મ્સ પર રિલીઝ કરવા માટે પૉર્ન ફિલ્મ બનાવવામાં આવી રહી હતી. ભારતમાં પૉર્ન ફિલ્મના શૂટિંગ અને રિલીઝ પર પ્રતિબંધ હોવા છતાં આવી ફિલ્મ શૂટ કરવા બદલ પોલીસે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: કપિલ શર્માના ઓટીટી શોમાં ગુત્થીનું થયું કમબેક
આ પ્રકરણે 18 જણ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 292, 293 અને આઈટી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં બંગલોના ત્રણ કૅરટેકરનો પણ સમાવેશ થાય છે. જોકે અત્યાર સુધીમાં પાંચ યુવતી સહિત 13 જણની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
છેલ્લા બે દિવસથી બંગલોમાં શૂટિંગ ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. પોલીસે શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલા કૅમેરા સહિતનાં સાધનો જપ્ત કર્યાં હતાં. આરોપી પાસેથી પોલીસને કેટલાક વીડિયો પણ મળી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.