આમચી મુંબઈમહારાષ્ટ્ર

સિનેગૉગમાં બૉમ્બની ધમકીથી પોલીસ સતર્ક: બે માર્ગ પરનો વાહનવ્યવહાર રોકી દેવાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
યહુદીઓના પ્રાર્થનાસ્થળ સિનેગૉગમાં બૉમ્બ પ્લાન્ટનો ઈ-મેઈલ મળતાં સતર્ક થઈ ગયેલી થાણે પોલીસે સઘન તપાસ કરી હતી. સતર્કતા ખાતર પોલીસે લગભગ બે કલાક સુધી સિનગૉગ તરફ જતા બે માર્ગ પરનો વાહનવ્યવહાર અટકાવી દીધો હતો. જોકે સિનેગૉગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ થાણેના ટેંભીનાકા સ્થિત સિનેગૉગના ઈ-મેઈલ એડ્રેસ પર ગુરુવારની બપોરે 12.30 વાગ્યે ધમકીભર્યો મેઈલ આવ્યો હતો. પ્રાર્થનાસ્થળમાં વિસ્ફોટકો પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ ધડાકા થશે, એવા મતલબનું લખાણ મેઈલમાં હતું.

આ અંગેની માહિતી મળતાં જ પોલીસે મેઈલને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં હાથ ધર્યાં હતાં. નૌપાડા સહિત થાણે નગર અને રાબોડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ટેંભીનાકા પહોંચી ગયા હતા. પ્રાર્થનાસ્થળ આસપાસના પરિસરમાંથી લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક ડીસીપી અને એસીપી પણ આવી પહોંચ્યા હતા. ડૉગ સ્ક્વોડ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ને બોલાવવામાં આવી હતી.

કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રાર્થનાસ્થળ તરફના બન્ને માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ માર્ગો પરનાં વાહનો અન્ય માર્ગે વાળવામાં આવ્યાં હતાં. લગભગ બેલાક સુધી સંબંધિત પરિસરમાં તપાસ કરવામાં આવી હતી.

બૉમ્બની વાત અફવા હોવાની ખાતરી થતાં માર્ગો વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રકરણે નૌપાડા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મેઈલની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર વિભાગ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button