એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી: સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ પોલીસે નોટિસ જારી કરી

મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી કરવા સંબંધી કેસમાં મુંબઈ પોલીસે સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ મુંબઈ પોલીસે નોટિસ જારી કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કુણાલ કામરાને તેની વિરુદ્ધ દાખલ કેસ સંબંધમાં ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવવામાં આવ્યું છે.
અમે કામરા વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે, જે માટે તેને નોટિસ આપવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
36 વર્ષના કામરાએ ખાર વિસ્તારમાં યુનિકોન્ટિનેન્ટલ હોટેલના સ્ટૂડિયોમાં શો દરમિયાન એકનાથ શિંદે વિશે વાંધાજનક ગીત રજૂ કર્યું હતું, જેને કારણે કાર્યકરો ઉશ્કેરાયા હતા અને તેમણે રવિવારે રાતે સ્ટૂડિયોમાં તોડફોડ કરી હતી.
આપણ વાંચો: કુણાલ કામરા વિવાદઃ કોલ રેકોર્ડિંગની થશે તપાસ, જાણો દિવસ દરમિયાન શું થયું?
આ પ્રકરણે ખાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો અને 12 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલે કામરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
કામરાએ શો દરમિયાન એકનાથ શિંદેનું નામ લીધા વિના તેમને ‘ગદ્દાર’ તરીકે સંદર્ભિત કર્યા હતા. કામરાએ શોમાં કહ્યું હતું કે શિવસેના પહેલાં ભાજપમાંથી બહાર નીકળી, ત્યાર બાદ શિવસેના શિવસેનામાંથી બહાર નીકળી, એનસીપી એનસીપીમાંથી બહાર નીકળી. હવે તેમણે એક મતદારને નવ બટન આપ્યા છે. બધા જ મૂંઝવણમાં છે. કામરાએ બાદમાં શિંદેને લક્ષ્ય કરતાં ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મનું ગીત ગાયું હતું.