મહારાષ્ટ્ર પોલીસ પાસે શસ્ત્રોની નોંધણી ન કરાવનારાઓ વિરુદ્ધ પોલીસની ઝુંબેશ
મુંબઈ: બોરીવલીમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા પછી સફાળી જાગેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં લાઈસન્સધારી શસ્ત્રો ધરાવતા લોકોની તપાસ હાથ ધરી છે અને તેમના લાઈસન્સની ચકાસણી કરવામાં આવી રહી છે. અન્ય રાજ્યો દ્વારા આપવામાં આવેલાં શસ્ત્રોનાં લાઈસન્સની પણ ફરી નોંધણી કરાઈ રહી છે. સિક્યોરિટી સર્વિસીસ સાથે સંકળાયેલા લોકો અને પર્સનલ પ્રોટેક્શન માટે રખાયેલાં શસ્ત્રોની પણ ચકાસણી કરવામાં આવશે.
પોલીસે હાથ ધરેલી ઝુંબેશ હેઠળ ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ યુનિટ્સ દ્વારા છેલ્લા 10 દિવસમાં ગેરકાયદે શસ્ત્રો રાખવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.
જૉઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) લખમી ગૌતમે જણાવ્યું હતું કે બિલ્ડરો, રાજકારણીઓ વગેરેના રક્ષણ માટે તહેનાત સલામતી કર્મચારીઓ અને ખાનગી બૉડીગાર્ડ્સનાં શસ્ત્રનાં લાઈસન્સની હાલમાં ચકાસણી કરવામાં આવી રહી છે.
ખાસ કરીને અન્ય રાજ્યમાંથી શસ્ત્રનું લાઈસન્સ લીધું હોય અને મુંબઈમાં તેનો ઉપયોગ કરવા પૂર્વે લાઈસન્સ ટ્રાન્સફર કરવાનું અને સંબંધિત શસ્ત્રના દસ્તાવેજો મુંબઈ પોલીસને સોંપવાનું ફરજિયાત છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેકની ગયા મહિને ગોળી મારીને હત્યા કર્યા પછી આ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ફેસબુક લાઈવ દરમિયાન મોરિસ નોરોન્હાએ પોતાના બૉડીગાર્ડની પિસ્તોલમાંથી ગોળી મારી અભિષેકની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હતી. પોલીસે મોરિસના બૉડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની આર્મ્સ ઍક્ટ હેઠળ ધરપકડ કરી હતી. આ ઘટના પછી પોલીસે આવાં શસ્ત્રો ધરાવનાર વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે 21 ફેબ્રુઆરીએ ઘાટકોપર પરિસરમાંથી જમરુલ હનીફ ખાન (26) અને મોહમ્મદ યાસર મોહમ્મદ ઈકબાલ (34)ની ધરપકડ કરી હતી. આ બન્નેએ પોતાની સુરક્ષા માટે જમ્મુ-કાશ્મીરના પૂંચ સ્થિત એડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ પાસેથી શસ્ત્રોનું લાઈસન્સ મેળવ્યું હતું. જોકે બન્નેએ મહારાષ્ટ્ર પોલીસ પાસે તેમનાં શસ્ત્રોનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું.
એ જ રીતે 29 ફેબ્રુઆરીએ કુર્લા વિસ્તારમાંથી હનુમંત પ્રતાપ વિષ્ણુદત્ત પાંડે (45)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક રિવોલ્વર અને ચાર કારતૂસ મળી આવી હતી. તેણે આ શસ્ત્રનું લાઈસન્સ રિન્યૂ કરાવ્યું નહોતું. વળી, ઉત્તર પ્રદેશથી શસ્ત્રનું લાઈસન્સ મેળવ્યું હતું અને મહારાષ્ટ્ર પોલીસને તેની જાણ કરી નહોતી. (પીટીઆઈ)