મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના માટે પૈસા માગનારા સામે પોલીસ ફરિયાદ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા રાજ્યની બહેનોને માસિક રૂ. 1500 આપવા માટે શરૂ કરવામાં આવેલી ‘મુખ્યમંત્રી-માઝી લાડકી બહેન’ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નાણાં પડાવનારા લોકો સામે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
એમ-પૂર્વ વિભાગમાં યોજના માટે અરજી કરવા માટે નાગરિકો પાસેથી નાણાં માગનારા અજ્ઞાત વ્યક્તિ સામે મુંબઈ મનપા પ્રશાસન દ્વારા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજનાઃ જાણો સરકારે કેટલું ફાળવ્યું ફંડ અને તૈયારી
રાજ્યની મહિલાઓને આર્થિક સ્વાતંત્ર્ય, તેમના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવો અને કુટુંબમાં તેમની નિર્ણાયક ભૂમિકાને વધુ મજબૂત કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી-માઝી લાડકી બહેન યોજના માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને આવી રીતે કોઈ પૈસા માગે તો તેમની ફરિયાદ કરવી એવી અપીલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા નાગરિકોને કરવામાં આવી હતી. જોકે, એમ-પૂર્વ વોર્ડમાં કોઈ વ્યક્તિ એક અરજી માટે રૂ. 100 લેતો હોવાની માહિતી આસિસ્ટન્ટ કમિશનરને મળતાં તેમણે એડિશનલ કમિશનરને આ બાબતની જાણકારી આપી હતી, જેને પગલે આ ગુનો નોંધવામાં આવ્યો હતો.