ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યો અપાત્ર જ!
શિવસેનાએ ઉદ્ધવ વિરુદ્ધ ફરી ખખડાવ્યા હાઇ કોર્ટના દરવાજા
મુંબઈ: વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાના મામલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેનાએ ફરી એક વખત હાઇ કોર્ટમાં ઘા નાખી છે. આ મામલે તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરવામાં આવે, એવી અરજી શિંદે જૂથ દ્વારા કરવામાં આવી છે.
શિંદે જૂથના વિધાનસભ્ય ભરત ગોગાવલેએ હાઇ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યોને અપાત્ર ન ઠેરવવાના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરનાના ફેંસલાને પડકારતી અરજી કરી હતી. અદાલતે આકેસની સુનાવણી છઠ્ઠી ઓગસ્ટ માટે સ્થગિત કરી હતી.
આ પણ વાંચો: વિધાનસભ્યોની અપાત્રતા: એકનાથ શિંદેને રાહત, ઠાકરેને ઝટકો, પણ હવે સુપ્રીમમાં જશે
ઉલ્લેખનીય છે કે શિવસેનાનું વિભાજન થયું ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ બંને દ્વારા એકબીજાના વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2023થી ડિસેમ્બર 2023 દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સમક્ષ આ મામલાની સુનાવણી ચાલી હતી.
10મી જાન્યુઆરીએ નાર્વેકરે આ મામલે ફેંસલો સંભળાવ્યો હતો અને ઉદ્ધવ ઠાકરે જૂથ કે એકનાથ શિંદે જૂથ કોઇના પણ વિધાનસભ્યોને અપાત્ર ન ઠેરવવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: વિધાનસભ્યોની અપાત્રતા અંગેનો નિર્ણય બદલાશે?
જોકે નાર્વેકરના નિર્ણયને હવે ગોગાવલેએ હાઇ કોર્ટમાં પડકાર્યો છે. આ અરજીમાં ગોગાવલેએ તેમની વિધાનસભ્ય તરીકેની મુદત પૂરી થાય એ પહેલા આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવે, એવી માગણી કરી છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથે આ મામલે તાત્કાલિક સુનાવણી હાથ ધરવા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
7 મહિના બાદ તાત્કાલિક સુનાવણી શા માટે?
ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા અરજીનો વિરોધ કરતા પ્રશ્ર્ન કરવામાં ાવ્યો હતો કે સાત મહિના બાદ આ મામલાની તાત્કાલિક અરજીની સુનાવણીની માગણી શા માટે કરવામાં આવી રહી છે? જોકે વિધાનસભ્યોની મુદત ડિસેમ્બર મહિનામાં પૂરી થતી હોવાના કારણે જો તે પહેલા સુનાવણી હાથ ન ધરવામાં આવે તો આ અરજીનો કોઇ અર્થ રહેતો નથી, તેવી દલીલ શિંદે જૂથ દ્વારા કરવામાં આવી છે.