વિધાનસભ્યોની અપાત્રતા: એકનાથ શિંદેને રાહત, ઠાકરેને ઝટકો, પણ હવે સુપ્રીમમાં જશે
મુંબઈ: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથના 16 વિધાનસભ્યોની અપાત્રતા મુદ્દે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સ્પીકરનો નિર્ણય આવ્યો હતો. વિધાનસભ્યોની અપાત્રતા મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઠાકરે જૂથ બંનેના વિધાનસભ્યોને સ્પીકર રાહુલ નાર્વેકરે સૌથી મોટી રાહત આપી હતી. રાહુલ નાર્વેકરે શિંદે અને તેમના વિધાનસભ્યોના સભ્યપદને યથાવત રાખ્યું હતું, તેનાથી ઉદ્ધવ ઠાકરે જૂથને સૌથી મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ઠાકરે જૂથના વિધાનસભ્યોની સામેની અપાત્રતાની પિટિશનને પણ અમાન્ય રાખી છે.
ચૂંટણી પંચના ચુકાદાને ધ્યાનમાં રાખીને શિંદેની શિવસેનાને જ અસલી ગણાવી હતી. નાર્વેકરે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની પાસે એકનાથ શિંદેને પાર્ટીમાંથી હટાવવાનો અધિકાર નથી. આ અધિકાર ફક્ત પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી પાસે છે. આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરે જૂથને સૌથી મોટો ફટકો માનવામાં આવે છે.
સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ત્રણ બાબતો સમજવાનું જરુરી છે. પાર્ટીનું બંધારણ શું કહે છે, નેતૃત્વ કોનું પાસે હતું અને વિધાનભવનમાં બહુમતી કોની છે. 2018માં શિવસેના પાર્ટીના બંધારણ અન્વયે નિમણૂક કરી છે અને એનું ધ્યાન રાખ્યું છે. 2018માં પાર્ટીના બંધારણમાં કોઈ બદલાવ કર્યો હોવાની વાત બંને પક્ષ જાણતું હતું.રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ઈલેક્શન કમિશનના રેકોર્ડમાં પણ શિંદે જૂથ અસલી શિવસેના છે, તેથી ચૂંટણી પંચના રેકોર્ડને માન્ય રાખ્યો છે.
ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચના ચુકાદાને પણ પડકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા માટે અસલી મુદ્દો તો અસલી શિવસેના કોણ છે? સુનાવણી દરમિયાન એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે 2018 પછી શિવસેનામાં કોઈ ચૂંટણી થઈ નથી. આ જ કારણથી 2018માં શિવસેનાનું બંધારણ માન્ય નથી, તેથી 1999ના બંધારણનો આધાર રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં જઈશું: આદિત્ય ઠાકરે
રાહુલ નાર્વેકરે આપેલા ચુકાદા સંબંધે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી હતી.
યે તો હોના હી થા: એનસીપી
રાહુલ નાર્વેકરે આપેલા ચુકાદા અંગે એનસીપીના પ્રમુખ શરદ પવાર જૂથે કહ્યું હતું કે આ જ થવાનું હતું ખબર હતી. ઉદ્ધવ ઠાકરે તમે કોની પાસેથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા. આ લોકો ન્યાય કરશે એવી તમને આશા હતી? એવો સવાલ શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે કર્યો હતો.
બે-ત્રણ પક્ષ બદલનારા પાસેથી આવો જ ચુકાદો અપેક્ષિત: ઉદ્ધવ ઠાકરે
શિંદેની શિવસેના ક્યારેય તેમની થઈ શકે એમ નથી. તેમનો અને શિવસેનાનો સંબંધ ક્યારનો પૂરો થઈ ગયો છે. આથી શિવસેના ફક્ત અમારી છે, એમ જણાવતાં ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું કે જેણે પોતે જ બે-ત્રણ વખત પક્ષ પલટો કર્યો હોય તેણે પક્ષ કેવી રીતે બદલી શકાય એ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિયમોને ચાતરવામાં આવ્યા છે.