વિધાનસભ્યોની અપાત્રતા અંગેનો નિર્ણય બદલાશે?
હાઈ કોર્ટની નોટિસ બાદ નાર્વેકરનો દાવો કોર્ટ આદેશ બદલશે નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ઠાકરે જૂથના 14 વિધાનસભ્યોને પાત્ર ઠેરવ્યા હોવાથી શિંદે જૂથે મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને આ બાબતે પુછવામાં આવતાં નાર્વેકરે કહ્યું હતું કે કાનૂની મર્યાદાનું પાલન કરીને ચુકાદો આપવામાં આવ્યો હોવાથી કોર્ટ દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવશે નહીં.
મુંબઈ હાઈ કોર્ટ દ્વારા શિંદે જૂથની પિટિશનની સુનાવણી કરવાનો અને આઠમી ફેબ્રુઆરી સુધીમાં રાહુલ નાર્વેકરને જવાબ નોંધાવવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને ફિરદોસ પૂનાવાલાની ખંડપીઠ સમક્ષ શિંદે જૂથની પિટિશનની સુનાવણી થઈ હતી અને ત્યારે આ પ્રકરણે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે? એવો સવાલ ન્યાયમૂર્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. શિંદે જૂથના વકીલે નકારાત્મક ઉત્તર આપ્યા બાદ હાઈ કોર્ટે ઠાકરે જૂથને અને અધ્યક્ષ રાહુલ નાર્વેકરને આઠમી ફેબ્રુઆરી સુધીમાં જવાબ નોંધાવવા જણાવ્યું હતું.
નાર્વેકરને આપવામાં આવેલી નોટિસ અંગે અને મુંબઈ હાઈ કોર્ટમાં ચુકાદો બદલાઈ શકે કે નહીં તે અંગે પુછવામાં આવતાં નાર્વેકરે શુક્રવારે કહ્યું હતું કે અદાલતમાં મારા નિર્ણયની કાનૂની યોગ્યતા અંગે વિચાર કરવામાં આવશે. મેં મારો ચુકાદો બંને પક્ષને સાંભળીને પછી આપ્યો છે. કાનૂની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હોવાથી અદાલત મારો ચુકાદો ઉલટાવે એવી શક્યતા નથી.
રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે પક્ષકારો દ્વારા પિટિશન કરવામાં આવે એટલે નોટિસ આવે તે સામાન્ય બાબત છે. અદાલત કોઈપણ એક જ પક્ષની વાત સાંભળીને ચુકાદો આપે નહીં. આ પહેલાં પણ મેં કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે મેં કાનૂની ચોકઠામાં રહીને જ ચુકાદો આપ્યો છે. કાયદાની જોગવાઈઓ, બંધારણની જોગવાઈઓ, બંધારણના શિડ્યુલ 10માં કરવામાં આવેલી જોગવાઈઓ બધાનો વિચાર કરીને જ મેં ચુકાદો આપ્યો છે.
વિધાનસભ્યોની અપાત્રતાની પિટિશનની સુનાવણી કરતી વખતે બધી જ કલમોનો યોગ્ય અમલ કરીને જ અંતિમ નિર્ણય સુધી પહોંચ્યો હતો. આવો નિર્ણય કેમ આપ્યો તેના કારણો પર વિસ્તારપુર્વક સમજાવ્યા છે. આથી મને નથી લાગતું કે કોર્ટમાં મારા આદેશને ઉલટાવવામાં આવશે.