Good News: મધ્ય રેલવેમાં સીએસએમટીમાં પ્લેટફોર્મ વિસ્તારણનું કામ અંતિમ તબક્કામાં

મુંબઈ: મધ્ય રેલવે પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે પ્લેટફોર્મ વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે, તેથી ત્યાંથી ૨૪ કોચવાળી ટ્રેન દોડી શકશે. પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૩૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને નવેમ્બર ૨૦૨૪ સુધીમાં કામ પૂર્ણ થવાની આશા છે.
વર્ષ ૨૦૧૫-૧૬માં સીએસએમટી પ્લેટફોર્મ નંબર ૧૦ થી ૧૪ સુધીનું વિસ્તરણ મંજૂર કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. ૬૨.૧૨ કરોડ થવાની ધારણા છે. હાલમાં પ્લેટફોર્મ નંબર ૧૦, ૧૧નું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને પ્લેટફોર્મ નંબર બાર અને તેરનું સમારકામ ચાલુ છે.
મધ્ય રેલવેએ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યાર બાદ ૨૪ કોચવાળી ટ્રેન પ્લેટફોર્મ ૧૦ અને ૧૩ પરથી દોડવા માટે તૈયાર થઈ જશે. તેથી, ૮ ટ્રેનોના કોચની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
મધ્ય રેલવેના જનરલ મેનેજર રામ કરણ યાદવે જણાવ્યું હતું કે સીએસએમટીથી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો પરનો પેસેન્જર ટ્રાફિક ઘટાડવા અને લોકલ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવા માટે ૨૦૧૬માં પરેલ ખાતે ટર્મિનસ બનાવવાનો પ્રસ્તાવ હતો. જોકે અનેક કારણોસર આ કામ અટકી પડ્યું હતું.
આ પણ વાંચો: હવે આ કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ…
હવે ફરી સેન્ટ્રલ રેલવેના અધિકારીઓ લાંબા અંતરની ટ્રેનો માટે એક નવું અત્યાધુનિક ટર્મિનસ પરેલ ખાતે બાંધવાની દરખાસ્ત લઈને રેલવે બોર્ડ પાસે મંજૂરી મેળવવા જઈ રહ્યા છે.
અહીં રેમ્પ વિસ્તરણનું કામ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ઉપરાંત, લોકમાન્ય તિલક ટર્મિનસ પર વધારાના પ્લેટફોર્મનું બાંધકામ પ્રગતિમાં છે. કલ્યાણ ખાતે યાર્ડ રિ-મોડલિંગના કામને વેગ આપવામાં આવી રહ્યો છે. આ કામ આગામી દોઢ વર્ષમાં પૂર્ણ થવાની આશા છે.