
થાણે: દેવું ચૂકવી ન શકનારા શખસના 15 વર્ષના પુત્રનું કથિત અપહરણ કરી 12 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં રબાળે વિસ્તારમાંથી સગીરને છોડાવી બે જણની ધરપકડ કરી હતી.
કોપરખૈરાણે પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રાજ ઉદય ભાલેરાવ (32) અને યશ સતીશ ગરુડ (26) તરીકે થઈ હતી. આરોપીઓના બે સાથી ફરાર હોવાથી પોલીસ તેમની શોધ ચલાવી રહી છે.
આપણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પર નથી અટકી રહી હિંસા, હિંદુ અગ્રણીનું અપહરણ કરી માર મારીને હત્યા
પોલીસના જણાવ્યા મુજબ ઘટના 14 મેની રાતે બની હતી. આરોપીઓ ફરિયાદીના ઘણસોલી વિસ્તારમાં આવેલા ઘરમાં ઘૂસ્યા હતા. આરોપીઓમાંથી એક પાસેથી ફરિયાદીએ ચાર લાખ રૂપિયાનું કરજ લીધું હતું, જે તે ચૂકવી શક્યો નહોતો. આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરી તેના પુત્રનું કથિત અપહરણ કર્યું હતું.
ફરિયાદમાં જણાવાયું હતું કે 15 વર્ષના સગીરની મારપીટ કરી તેને કારમાં લઈ જવાયો હતો. બાદમાં પુત્ર હેમખેમ જોઈતો હોય તો 12 લાખ રૂપિયા ચૂકવવાની ધમકી આરોપીએ આપી હતી, એવું કોપરખૈરાણે પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકરણે સગીરના પિતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે રબાળે વિસ્તારમાંથી સગીરને છોડાવી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હોવાનું આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સુનીલ બોડકેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)