‘ઘડિયાળ’ અને ‘તુતારી’ એક થયા: મ્યુનિસિપલ ચૂંટણી અજિત પવાર અને શરદ પવાર સાથે આવ્યા

પુણે: રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે શત્રુ નથી હોતાં, આ કહેવત હાલ મુંબઈના રાજકરણમાં લાગુ પડે છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી માટે ઠાકરે ભાઈઓએ ગઠબંધનની જાહેરાત કરી હતી. હવે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પવાર પરિવાર પણ એક થયો છે. અજિત પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અને તેમના કાકા શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) સાથે મળીને ચૂંટણી લડશે.
ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન મહારાષ્ટ્રના નાયાબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું, “પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે, ‘ઘડિયાળ’ અને ‘તુતારી’ (રણશિંગડું) એક થયા છે. પરિવાર એક થયો છે.”
અજીત પવારે જણાવ્યું કે NCP અને NCP (SP) વચ્ચે બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને આગામી બે દિવસમાં તેની જાહેરાત કરવામાં આવશે.
કાકા સામે બળવો:
બે વર્ષ પહેલા વર્ષ 2023 માં અજિત પવારે NCP કેટલાક વિધાનસભ્યો સાથે કાકા સામે બળવો પોકાર્યો હતો, અજિત પવારે મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. અજીત પવારે NCP પાર્ટી પર પોતાનો દાવો સાબિત કર્યો હતો, ચૂંટણી પંચે ઘડિયાળનું ચૂંટણી પ્રતીક NCPને આપ્યું હતું.
શરદ પાવારે અલગ પક્ષ NCP (SP) બનાવવાની ફરજ પડી હતી, જેને ‘તુતારી’ નું ચુંટણી પ્રતિક આપવામાં આવ્યું હતું. હવે બંને પક્ષોએ ગઠબંધનની જાહેરાત કરી છે. શરદ પવારની અહેવાની હેઠળનો NCP(SP) પક્ષ રાજ્ય અને કેન્દ્ર બંનેમાં વિપક્ષી ગઠબંધન સાથે રહ્યો.
પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે ગઠબંધન:
નોંધનીય છે કે પુણે વિસ્તારને વર્ષોથી પવાર પરિવારનો ગઢ માનવામાં આવે છે. 2017 થી પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન પર શરદ પવારની અવિભાજિત NCPનો કબજો છે.
પક્ષના કાર્યકર્તાઓને સંબોધતા અજીત પવારે કહ્યું કે પ્રચાર દરમિયાન કોઈપણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવાનું ટાળે, આપણે વિકાસ માટે કામ કરવા વાળા છીએ. આ મ્યુનિસિપલ કોર્પોરેશનને દેવામાં ડૂબાડવાનો પ્રયાસ કરનારાઓને અમે બહાર ફેંકી દેશું.
પિંપરી-ચિંચવડ સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે 15 જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે મત ગણતરી 16 જાન્યુઆરીના રોજ અને બીજા દિવસે કરવામાં આવશે.
આપણ વાંચો: ભાજપ તરફથી તેજસ્વી ઘોસાળકરની પહેલી ઉમેદવાર; મલબાર હિલમાં ચાર ઉમેદવારોના નામ જાહેર



