કાર્તીકી એકાદશીની પૂજા મનોજ જરાંગેના હાથે કરાવો: મરાઠા સમાજની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાર્તીકી એકાદશીના દિવસે પંઢરપુરના વિઠ્ઠલમંદિરમાં શાસકીય પૂજા નાયબ મુખ્ય પ્રધાનને બદલે મનોજ જરાંગેના હસ્તે સપત્ની કરાવવી એવી માગણી મરાઠા ક્રાંતી મોરચા દ્વારા કરવામાં આવી છે.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પંઢરપુરની શાસકીય પૂજામાં હાજરી આપશે એવું કહેવાઈ રહ્યું છે ત્યારે મરાઠા ક્રાંતી મોરચાના રાજ્ય સમન્વયક રામભાઉ ગાયકવાડે કહ્યું હતું કે પુજા મનોજ જરાંગે પાટીલના હસ્તે કરાવવી. નિયમ મુજબ દરવર્ષે કાર્તીકી એકાદશીના રોજ શાસકીય મહાપુજા નાયબ મુખ્ય પ્રધાનને હસ્તે કરવામાં આવે છે અને અષાઢી એકાદશીની પુજા મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવે છે. આ વખતે બે નાયબ મુખ્ય પ્રધાન હોવાથી કોને આમંત્રણ આપવું એવો યક્ષપ્રશ્ર્ન મંદિર સમિતિ સમક્ષ ઉપસ્થિત થયો હતો. ત્યારે બીજી તરફ સકલ મરાઠા સમાજે નાયબ મુખ્ય પ્રધાનને મહાપુજા માટે બોલાવવાનો વિરોધ કર્યો છે.
કાર્તીકી એકાદશીના દિવસે વિઠ્ઠલ મહાપુજા કોને હસ્તે કરાવવી તે માટે મંદિર સમિતિએ વિધિ અને ન્યાય વિભાગ પાસેથી અભિપ્રાય મગાવ્યો હતો. તેનો જવાબ હજી સુધી આવ્યો નથી. હવે પુજા ફડણવીસ કરશે કે અજિત પવાર તે પ્રશ્ર્ન છે ત્યારે મરાઠા સમાજ દ્વારા નવી માગણી કરવામાં આવી હોવાથી હવે ગુંચવાડો વધવાની શક્યતા જોવાઈ રહી છે.