
નાગપુર: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટના થોડા દિવસો પહેલાં બની હતી. જેના વિરોધમાં રાજ્ય સરકાર સામે મહા વિકાસ આઘાડી વતી રાજ્યભરમાં ‘જોડા મારો’ આંદોલન કરવામાં આવ્યું છે. આ આંદોલન પર પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાવિકાસ આઘાડીની જોરદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે લોકો વિપક્ષને જોડા મારશે.
મહારાજાની પ્રતિમાની દુર્ઘટના ખરેખર કમનસીબ બનાવ છે. આને માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમે ત્રણેય જણાએ માફી માગી લીધી છે. ઘટના કમનસીબ છે, પરંતુ આ જ ઘટના પર રાજકારણ કરવું એ તેનાથી પણ વધુ કમનસીબ છે.
ગયા વર્ષે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર વખતે આરાધ્ય શિવાજી મહારાજની પ્રતિમાને હટાવવા માટે બે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે લોકો ભૂલ્યા નથી એમ જણાવતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો આગામી ચૂંટણીમાં અત્યારે આ ખોટા આંદોલન કરી રહેલા લોકોને જનતા નક્કી જોડા મારશે.
આ પણ વાંચો: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે એકનાથ શિંદે એક્શન મૉડમાં
દરમિયાન આ પ્રસંગે બોલતા તેમણે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું હતું. એકનાથ શિંદેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાએ આ લોકોને તેમનું સ્થાન બતાવી દીધું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં મહિલાઓ ખરેખર સુરક્ષિત હતી? નવનીત રાણાને જેલમાં ધકેલી દેવાયા. કંગના રણૌતના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. તેથી જ આ લોકોને મહારાજનું નામ લેવાનો કોઈ અધિકાર નથી.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ મહાવિકાસ અઘાડીની આકરી ટીકા કરી છે. આ એક શુદ્ધ સ્વરૂપમાં રાજકીય આંદોલન છે. મહાવિકાસ આઘાડીને મારો સવાલ છે કે ઈન્દિરા ગાંધીનું એક ભાષણ બતાવો કે તેમણે લાલ કિલ્લા પરથી છત્રપતિ શિવાજી મહારાજનું નામ લીધું હોય, શું મહાવિકાસ આઘાડીએ પંડિત નેહરુએ તેમની ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં જે લખ્યું છે તેના માટે માફી માંગશે?
દેવેન્દ્ર ફડણવીસે એવો પણ સવાલ કર્યો હતો કે, મહારાજે સુરતને લૂંટ્યું તે ઇતિહાસ કોંગ્રેસે આટલા વર્ષો સુધી શીખવ્યો, શિવાજી મહારાજે ક્યારેય સુરતને લૂંટ્યું નથી, પરંતુ શું તેઓ અમને જાણીજોઈને ખોટો ઇતિહાસ શીખવવા બદલ માફી માંગશે?