પાલઘરના વિરારમાં ગેરકાયદે ઇમારત ધરાશાયી: 14ના કરુણ મોત, બિલ્ડરની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પાલઘરના વિરારમાં ગેરકાયદે ઇમારત ધરાશાયી: 14ના કરુણ મોત, બિલ્ડરની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં બુધવારે બિલ્ડિંગ ધરાશાયી થઈ, જેમાં મોટી જાનહાનિ થઈ છે. આ ઘટનામાં 14 લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. દુર્ઘટનાના પગલે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે ઇમારતના બિલ્ડરની ધરપકડ કરી છે. આ ઘટનાએ ગેરકાયદે બાંધકામોની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 27 ઓગસ્ટના રોજ સવારે લગભગ 12:05 વાગ્યે વિરારની રામાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2012માં બનેલી આ ઇમારત સંપૂર્ણ ગેરકાયદે હતી. આ ઘટનામાં 14 લોકોના મોત થયા, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો જ્યારે બે લોકોનો આબાદ બચાવ થયો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ બચાવકાર્યમાં જોડાઈ છે, અને પોલીસે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન (VVMC)ની ફરિયાદના આધારે બિલ્ડરની ધરપકડ કરી છે.

ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, બચાવ કાર્ય હજુ ચાલુ છે. અત્યાર સુધીમાં 17 લોકોનો પતો લાગ્યો છે, જેમાંથી 14નાં મોત થયું છે, એક ઘાયલ છે, અને બે લોકો સુરક્ષિત બહાર આવ્યા છે. શરૂઆતમાં સાંકડા વિસ્તારને કારણે મલબો હાથથી હટાવવો પડ્યો, પરંતુ હવે ભારે મશીનોની મદદથી કામ ઝડપથી થઈ રહ્યું છે. કાટમાળ નીચે હજી પણ લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી વિવેકાનંદ કદમે જણાવ્યું કે ઇમારતનો ભાગ જે ચાલી પર પડ્યો તે ખાલી હતી, જેનાથી મોટું નુકસાન ટળ્યું છે. આસપાસની અન્ય ચાલીઓને પણ ખાલી કરાવી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. VVMCના સહાયક કમિશનર ગિલ્સન ગોન્સાલ્વેસે જણાવ્યું કે બચાવ કાર્ય હવે ઝડપથી આગળ વધી રહ્યું છે, અને અધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

રામાબાઈ એપાર્ટમેન્ટમાં કુલ 50 ફ્લેટ હતા, જેમાંથી 12 ફ્લેટ ધરાશાયી થયેલા ભાગમાં હતા. આ ગેરકાયદે ઇમારતના ધ્વંસથી ઘણા પરિવારો બેઘર બન્યા છે. પ્રભાવિત લોકોને હાલ ચંદનસર સમાજમંદિરમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને ખોરાક, પાણી, દવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટનાએ ગેરકાયદે બાંધકામોની સમસ્યા અને નગરપાલિકાની દેખરેખ પર પ્રશ્નો ઊભા કર્યા છે.

આપણ વાંચો:  વસઈ-વિરારમાં ઈમારત ધરાશાયીઃ સાંકડી ગલીઓને લીધે બચાવકાર્યમાં મુશ્કેલી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button