આમચી મુંબઈ

વનવાસી કલ્યાણ આશ્રમ પર હુમલાનો કેસ:બચેલો એકમાત્ર આરોપી પણ દોષમુક્ત…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લાના તલાસરી ખાતે 1991માં વનવાસી કલ્યાણ આશ્રમ પર હુમલો અને લૂંટના કેસમાં બચેલા એકમાત્ર આરોપીને પણ સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.તલાસરીમાં આવેલા આશ્રમમાં 14 ઑગસ્ટ, 1991ના રોજ 150થી વધુ લોકોના ટોળાએ પથ્થરો અને બામ્બુથી હુમલો કર્યો હતો. હુમલામાં આશ્રમનો મૅનેજર મહાદેવ જયરામ જોશી ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટનામાં એક રિક્ષા સહિત આશ્રમની મિલકતને ભારે નુકસાન થયું હતું.

આ કેસમાં સેશન્સ કોર્ટે 26 નવેમ્બરે ચુકાદો આપ્યો હતો, જેની વિગતો શનિવારે ઉપલબ્ધ થઈ હતી. એડિશનલ સેશન્સ જજ એ. વી. ચૌધરી ઈનામદારે સત્વ લાડક્યા ભગતને નિર્દોષ છોડ્યો હતો. તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની દંગલ મચાવવી, લૂંટ, ચોરી, ગંભીર ઇજા પહોંચાડવી, આગ ચાંપવી અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મૂળ આરોપનામું 32 આરોપી વિરુદ્ધ દાખલ કરાયું હતું. એ બધા આરોપીને 7 જાન્યુઆરી, 2003ના નિર્દોષ જાહેર કરાયા હતા. ભગત અને અન્ય ત્રણ વિરુદ્ધ પછીથી પૂરક આરોપનામું દાખલ કરાયું હતું, જેને આધારે ખટલો ચલાવવામાં આવ્યો હતો. ખટલા દરમિયાન અન્ય ત્રણનાં નિધન થયાં હતાં.

કોર્ટે જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષ ગુનામાં ભગતની પ્રત્યક્ષ સંડોવણીના વિશ્ર્વસનીય પુરાવા રજૂ કરી શક્યો નથી. પથ્થરમારો કોણે કર્યો હતો તે મુખ્ય સાક્ષીદાર ઓળખી શક્યો નથી અને કોઈ પણ આરોપીનું નામ જણાવી શક્યો નહોતો.
ઈજાગ્રસ્ત સાક્ષી જોશી અને નજરે જોનાર એક સાક્ષીદાર પણ ટોળામાં કોણ હતું તે ઓળખી શક્યા નહોતા, એવું કોર્ટે આદેશમાં જણાવ્યું હતું. તપાસકર્તા પક્ષ આરોપીઓ વિરુદ્ધના આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હોવાની નોંધ જજે કરી હતી. (પીટીઆઈ)

આ પણ વાંચો…પાલઘરમાં ગુમ થયેલી આદિવાસી બાળકી ગણતરીના કલાકોમાં મળી આવી…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button