બળજબરીથી લગ્ન, જાતીય શોષણ અને ગર્ભપાતની સગીરાની ફરિયાદ: છ સામે ગુનો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બળજબરીથી લગ્ન, જાતીય શોષણ અને ગર્ભપાતની સગીરાની ફરિયાદ: છ સામે ગુનો

પાલઘર: સગીર વયમાં જ બળજબરીથી લગ્ન પછી જાતીય શોષણ અને ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ પાલઘર જિલ્લાના જવ્હાર ખાતે રહેતી 14 વર્ષની સગીરાએ કરતાં પોલીસે જળગાંવ જિલ્લાના છ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓમાંનો એક તેના મિત્ર સાથે સગીરાના જવ્હાર તાલુકામાંના ઘરે આવ્યો હતો. તે સમયે સગીરા સાથે લગ્ન કરવાની વાતચીત કરાઈ હતી, એમ જવ્હાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આ જ વર્ષની 10 એપ્રિલે સગીરાનાં લગ્ન કરાવાયાં હતાં. સગીરાના વડીલોને 85 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા અને લગ્ન પછી સગીરાને જળગાંવ જિલ્લાના પચોરા ખાતે લઈ જવાઈ હતી.

આ પણ વાંચો: આદિવાસી સગીરાનાં લગ્ન: પાંચ સામે ગુનો…

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે વારંવાર દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની હતી. આ વાતની જાણ થતાં આરોપીની માતાએ સગીરાને અમુક દવા આપી હતી, જેને પગલે તેનો ગર્ભપાત થયો હતો.

આરોપી અને તેના પરિવારજનોએ સગીરાના દાગીના અને અન્ય કીમતી વસ્તુઓ લઈ લીધી હતી અને સગીરાને તેનાં માતા-પિતાના જવ્હારના ઘરે પાછી મોકલી આપી હતી. સગીરાએ તાજેતરમાં શ્રમજીવી સંગઠનાનો સંપર્ક સાધી આપવીતી જણાવી હતી. સંસ્થાના કાર્યકરોની મદદથી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને આધારે પોલીસે સોમવારની રાતે સગીરા સાથે લગ્ન કરનારા શખસ, તેના વડીલો અને ત્રણ અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોક્સો ઍક્ટ પણ લગાવાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button