આશ્રમશાળાના બે વિદ્યાર્થીની ઝાડ પર લટકીને આત્મહત્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

આશ્રમશાળાના બે વિદ્યાર્થીની ઝાડ પર લટકીને આત્મહત્યા

પાલઘર: વિરારમાં નિર્માણાધીન ઈમારતના 12મા માળેથી કૂદકો મારી બે કૉલેજ સ્ટુડન્ટે આપઘાત કર્યાની ઘટનાના બે દિવસ બાદ પાલઘર જિલ્લાના વાડા તાલુકામાંની આશ્રમશાળાના બે વિદ્યાર્થીએ ઝાડ સાથે રસી બાંધી ગળાફાંસો ખાધો હોવાની ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ બુધવારની મધરાતે 12.30 વાગ્યા બાદ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા બન્ને વિદ્યાર્થીની ઓળખ મનોજ વડ (14) અને દેવીદાસ નાવલે (15) તરીકે થઈ હતી. બન્ને મોખાડા તાલુકાના રહેવાસી હતા અને પહેલા ધોરણથી સરકારી ગ્રાન્ટ મેળવતી આશ્રમશાળામાં ભણતા હતા.

મોખાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દત્તા કિન્દ્રેએ જણાવ્યું હતું કે બન્ને વિદ્યાર્થી 9 અને 10મા ધોરણમાં ભણતા હતા. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી ન હોવાથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

આ પણ વાંચો: આત્મહત્યા કે હત્યા? વિરારમાં બે વિદ્યાર્થીના 12 માળેથી પટકાતા મોત

આશ્રમશાળામાં રોજ પ્રમાણે બુધવારની સાંજે 7.30 વાગ્યે ભોજન પત્યા પછી બધા વિદ્યાર્થી શાળાની પાછળના ભાગમાં આવેલી હૉસ્ટેલમાં સૂવા ગયા હતા. મધરાત બાદ દોઢ વાગ્યાની આસપાસ સિક્યોરિટી ગાર્ડ ઉમેશ પાટીલ રાઉન્ડ મારવા નીકળ્યો ત્યારે તેની નજર ગળાફાંસો ખાનારા બન્ને વિદ્યાર્થી પર પડી હતી.

શાળાની પાછળ અને હૉસ્ટેલની સામે આવેલા ઝાડ પર નાયલોનની રસી બાંધી બન્ને વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો હતો. કપડાં સૂકવવાની રસીનો આત્મહત્યા માટે ઉપયોગ કરાયો હોવાનું પોલીસનું કહેવું છે.

સિક્યોરિટી ગાર્ડે શાળાના મૅનેજરને ઘટનાની અંગે માહિતી આપ્યા પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બન્ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ભણવામાં બન્ને વિદ્યાર્થી નબળા નહોતા, પરંતુ હાલમાં શાળામાં પરીક્ષા ચાલતી હોવાથી માનસિક તાણમાં તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button