શિંદેની સરકારમાં ફક્ત કોરી જાહેરાતો: નાના પટોલે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના ખેડૂતો મોટા સંકટમાં ફસાયા છે. આ વર્ષ ખેડૂતોનું ભારે નુકસાન કરનારું વર્ષ બની રહ્યું છે. કુદરતી સંકટોમાં ફસાયેલો ખેડૂત સરકાર પાસે આશા રાખી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા ફક્ત જાહેરાતો અને ઘોષણા કરવામાં આવી રહી છે. બુધવારની કેબિનેટની બેઠકમાં ફક્ત કોરી જાહેરાતો કરવામાં આવી હતી. હવે પ્રધાનો નુકસાની અંગેની આકારણી કરવા માટે પ્રવાસ કરી રહ્યા છે. આ ફક્ત દેખાડો છે. પ્રધાનોએ મુલાકાત લેવી પણ પહેલાં ખેડૂતોના હાથમાં પૂરતી મદદ પહોંચાડો, એમ કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેએ ગુરુવારે કહ્યું હતું.
મુંબઈના ટિળક ભવનમાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સતત કુદરતી સંકટોથી રાજ્યના ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ખરીફ પાક બાદ હવે રવિ પાક પણ નિષ્ફળ ગયો છે. કમોસમી વરસાદ અને કરાં પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં ઊભો પાક, દ્રાક્ષ, સંતરા, કાંદા, સોયાબીન, તુવેર, અનાજ, કપાસ વગેરે બધા જ પાકને નુકસાન થયું છે.
ખેડૂતો મુશ્કેલીમાં હોય ત્યારે તાકીદે મદદ જાહેર કરીને તેમના સુધી પહોંચાડવી જોઈએ, પરંતુ સરકાર ફક્ત પોકળ જાહેરાતો કરી રહી છે. આની પહેલાં પણ જાહેર કરવામાં આવેલી મદદ ખેડૂતો સુધી હજી પહોંચી નથી. ભાજપની સરકાર ખેડૂતોને કોણીએ ગોળ લગાવી રહી છે. સરકારની તિજોરીમાંથી વીમા કંપનીના ખિસ્સા ભરવામાં આવી રહ્યા છે અને હવે મદદ આપવાનો વારો આવ્યો ત્યારે વીમા કંપનીઓ ખેડૂતોને પૈસા આપતી નથી. ખેડૂતોને પૂરતી મદદ મળવી જોઈએ એ કોંગ્રેસની માગણી છે, એમ પણ તેમણે કહ્યું હતું.
મરાઠા અને ઓબીસી સમાજ વચ્ચે અનામતને લઈને જે ઘર્ષણ થઈ રહ્યું છે તે જાણી જોઈને રાજ્ય સરકાર દ્વારા સળગાવવામાં આવી રહ્યું છે. ભાજપે અનામતનું આશ્ર્વાસન આપ્યું હતું, પરંતુ હવે તેઓ આ મુદ્દે વિલંબ કરી રહ્યા છે. આ બધા નાટકો બંધ થવા જોઈએ અને રાજ્યમાં જાતી આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, એમ પણ નાના પટોલેએ કહ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાંચેય રાજ્યોમાં કૉંગ્રેસ જ્વલંત વિજય મેળવશે.