ઑનલાઈન ટ્રેડિંગ ફ્રોડમાં 41 લાખ રૂપિયા પડાવ્યા: બે જણ વિરુદ્ધ ગુનો

થાણે: બનાવટી ઑનલાઈન ટ્રેડિંગ સ્કીમમાં સપડાવી થાણેના 48 વર્ષના રહેવાસી સાથે 41 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીએ ફેસબુક પર ઑનલાઈન ટ્રેડિંગ સંબંધી જાહેરખબર જોઈ હતી. ટ્રેડિંગમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરનારા ફરિયાદીને એક વૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રૂપમાં આરોપીઓ દ્વારા આઈપીઓમાં રોકાણ સંબંધી માર્ગદર્શન આપવામાં આવતું હતું.
આપણ વાંચો: ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સાથે 1.47 કરોડની છેતરપિંડી: ત્રણ સામે ગુનો
લાલચમાં આવી ફરિયાદીએ ચાલુ વર્ષના મેથી જૂન દરમિયાન આરોપીએ જણાવેલાં બૅન્ક ખાતાઓમાં 40.99 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછી ફરિયાદીને વધુ નાણાં રોકવા લલચાવવા માટે તેના ખાતામાં 88.39 લાખ રૂપિયા જમા થયા હોવાનું દર્શાવાયું હતું.
જોકે જમા થયેલા નાણાંમાંથી ફરિયાદી રૂપિયા કઢાવી શક્યો નહોતો. આ બાબતે પૂછતાં આરોપીએ ટૅક્સ પેટે 20 ટકા રકમ ભરવાનું કહ્યું હતું. આખરે ફરિયાદીને પોતે છેતરાયો હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
વર્તક નગર પોલીસે ફરિયાદને આધારે રવિવારે મહિલા સહિત બે જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 3(5) તેમ જ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે પોલીસ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)