ઑનલાઈન ગેમમાં પાંચ લાખ રૂપિયા હારેલા ‘શિવભક્ત’નું ઘૃણાસ્પદ કૃત્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઑનલાઈન ગેમમાં પાંચ લાખ રૂપિયા હારેલા માથાફરેલ ‘શિવભક્તે’ ભગવાન પર રોષ ઉતારવા ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હોવાની ઘટના પાલઘર જિલ્લાના ઉમરોલી ખાતે બની હતી. ગરીબી દૂર કરવામાં ભગવાને મદદ કરી ન હોવાથી શિવલિંગ પરના કળશમાં માંસના ટુકડા નાખી ધાર્મિક ભાવના દુભાવનારા યુવાનની પોલીસે ધરપકડ કરી હતી.
કળશમાં ચિકનના ટુકડા નાખવામાં આવ્યાની પોલીસ ફરિયાદ નોંધાતાં જ પાલઘર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપી સાગર પાટીલ (29)ને રવિવારે તાબામાં લેવાયો હતો. ધરપકડ કરાયેલા પાટીલને કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આપણ વાચો: ઑનલાઈન ગેમિંગમાં નાની કે મોટી કમાણી કરી હોય તો સરકારને કહી દેજો, નહીંતર…
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 16 ઑક્ટોબરની સવારે 11થી સાંજે 5.30 વાગ્યા દરમિયાન બની હતી. પાલઘર-બોઈસર રોડ પર ઉમરોલી નજીકના મહાદેવ મંદિરમાં શિવલિંગ પરના કળશમાંથી ચિકનના ટુકડા મળી આવ્યા હતા. કહેવાય છે કે કળશમાં પાણી ભરવા ગયેલા એક વેપારીની નજર માંસના ટુકડા પર પડતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
આ પ્રકરણે પાલઘર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 298 હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. ધાર્મિક ભાવના દુભાવનારા આ હીન કૃત્યની ક્રાઈમ બ્રાન્ચે સમાંતર તપાસ હાથ ધરી હતી. મનોર તાલુકાના દહિસર ગાંવમાં રહેતા પાટીલને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવતાં તેણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
આપણ વાચો: ઑનલાઈન ગેમ રમવા સાવકી માતાની હત્યા કરી સોનાના દાગીના ચોર્યા…
પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારી માહિતી આપી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તે શિવભક્ત છે અને નિયમિત રીતે ભગવાનની પૂજા કરે છે. નાનપણથી ગરીબીમાં ઊછરેલા પાટીલને આર્થિક સ્થિતિ બદલવી હતી. એમાં તેને ઑનલાઈન ગેમ રમવાનું વ્યસન લાગ્યું. ગેમમાં તે લગભગ પાંચ લાખ રૂપિયા હારી ગયો હતો, જેને પગલે તે નાસીપાસ થઈ ગયો હતો.
રોજ શિવમંદિરમાં જઈને પૂજા કરવા છતાં ભગવાન તેની મદદ કરતા ન હોવાનો વિચાર પાટીલના મનમાં ઘર કરી ગયો હતો. ભગવાન પ્રત્યેનો રોષ ઠાલવવા તેણે ચિકનના ટુકડા કળશમાં નાખી મંદિર અપવિત્ર કર્યું હતું અને પછી ઘરે જતો રહ્યો હતો.



