આમચી મુંબઈમહારાષ્ટ્ર

કોસ્ટલ રોડની એક લેન શનિવારે મુકાશે ખુલ્લી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો કોસ્ટલ રોડ આખરે શનિવારે ખુલ્લો મુકવામાં આવવાનો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે કોસ્ટલ રોડની એક લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકવાની જાહેરાત સાથે જ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પરિસરમાં ૩૨૦ એકરનો આંતરાષ્ટ્રીય દરજ્જાનો પાર્ક ઊભો કરવામાં આવવાનો હોવાનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું.

કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શનિવારે મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવવાનું છે. કોસ્ટલ રોડની એક લેનના ઉદ્ઘાટનની આ અગાઉ પણ બે વખત તારીખ જાહેર કરવામાં આવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક લેનનું લોકાપર્મ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે. જોકે તેમની તારીખ નહીં મળવાને કારણે હવે શનિવારે મુખ્ય પ્રધાન જ કોસ્ટલ રોડની એક લેન ખુલ્લી મુકવાના છે.

મુખ્ય પ્રધાને ગુરુવારે ધર્મવીર, સ્વરાજ્યરક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડની મુલાકાત લીધી હતી. મરીન ડ્રાઈવથી વરલી સુધીનો તેમણે પ્રવાસ કરીને કામની માહિતી લીધી હતી. તેમ જ અમુક સૂચના પણ તેમણે આપી હતી.
પાલિકાએ બાંધેલા કોસ્ટલ રોડનું કામ અંતિમ તબક્કામાં છે. આ રસ્તાને લાગીને ૩૨૦ એકર જગ્યામાં ભવ્ય સેન્ટ્રલ પાર્ક ઊભું કરવામાં આવવાનું છે. આ પાર્ક આંતરાષ્ટ્રીય દરજ્જાનું હશે એવું જણાવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે બહુ જલદી કોસ્ટલ રોડ મુંબઈગરા માટે સંપૂર્ણરીતે ખુલ્લો મુકવામાં આવશે.

કોસ્ટલ રોડ બાદ મુખ્ય પ્રધાને વરલીમાં ગણપતરાવ કદમ માર્ગ, સેઠ મોતીલાલ સાંધી માર્ગ અને ત્યારબાદ દાદરમાં દાદાસાહેબ રેગે માર્ગ આ ત્રણ ઠેકાણે રસ્તાના કૉંક્રીટાઈઝેનના કામનું નિરીક્ષણ કર્યું હતું અને બહુ જલદી મુંબઈના રસ્તાઓ સિમેન્ટ-કૉંક્રીટના બનાવ્યા બાદ રસ્તા ખાડા મુક્ત થશે એવું તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button