ફરી એક વાર સાયન રેલવે બ્રિજને તોડવાનું કામ મોકૂફ રાખ્યું, જાણો શું છે કારણ?

મુંબઈ: આગામી મહિનાથી દસમા-બારમાની પરીક્ષા શરુ થવાની હોવાથી ટ્રેનોમાં અવરજવર કરવામાં મોટી કોઈ પરેશાની ઊભી થાય નહીં તેના માટે મધ્ય રેલવેની હદના સાયન રોડઓવર બ્રિજ (Sion Railway overbridge)ને તોડવાનું કામ ફરી એક વાર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પહેલાથી જ લોકલ ટ્રેનની સર્વિસના ધાંધિયાના કારણે પહેલાથી જ વિદ્યાર્થીઓ પરેશાન હતા ત્યારે સાયન બ્રિજને તોડવાનું કામ હાથ ધરાવાનું હોઇ તેમની મુશ્કેલીઓમાં વધારો થાય એવું જણાતું હતું. જોકે, દસમા અને બારમાની પરીક્ષાઓ ચાલુ હોવાનું ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ બ્રિજનું તોડકામ મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે.
બ્રિજનું તોડકામ મોકૂફ રાખવાની વિનંતી ટ્રાફિક પોલીસ દ્વારા મધ્ય રેલવેને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જર્જરિત અને જોખમી એવા સાયન બ્રિજને તોડવાની તૈયારી ચાલુ હતી તેવામાં તોડકામ મોકૂફ રાખવાની વિનંતી કરવામાં આવતા માર્ચ પહેલા બ્રિજને તોડવાનું કામ હાથ ધરાય એવી શક્યતા જણાતી નથી.
આજે (28 ફેબ્રુઆરી) મધરાતથી આ બ્રિજ બંધ રાખવાની સૂચના પણ જાહેર કરી દેવામાં આવી હતી. જોકે, ટ્રાફિક પોલીસની વિનંતી અને વિદ્યાર્થીઓની હાલાકીને જોતા હવે આ બ્રિજ તોડવાનું કામ મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ નિર્ણય લેવા માટે મધ્ય રેલવે અને ટ્રાફિક પોલીસ બંને વચ્ચે બેઠક યોજવામાં આવી હતી, જેમાં બાવીસ માર્ચ બાદ આ બ્રિજ સ્થાનિક લોકોના ઉપયોગ માટે બંધ કરવામાં આવે, તેવી વિનંતી કરવામાં આવી હતી.
આ પૂર્વે 20 જાન્યુઆરીની તારીખ બ્રિજ તોડી તેને ફરી ઊભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી. જોકે સાંસદે સ્થાનિકોના વિરોધને ધ્યાનમાં રાખીને આ કામગીરી ચાર દિવસ માટે સ્થગિત કરાવી હતી.