ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં 30 થી વધુ ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયો…

થાણે: ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં વિવિધ રાજ્યોમાં હત્યા અને ખંડણી જેવા 30થી વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ભાયંદરથી પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ ઈબ્રાહિમ મોહમ્મદ સઈદ (39) તરીકે થઈ હતી. તેની વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં ગુના નોંધાયેલા હોવાનું આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મદન બલ્લાળે જણાવ્યું હતું.
આરોપી સઈદને સાતમી જુલાઈએ ભાયંદર પૂર્વના ઉત્તન પરિસરમાંથી તાબામાં લેવાયો હતો. બંધ ઘરમાં ઘૂસીને ચોરી, વાહનચોરી અને અન્ય મતા ચોરવાના કેસમાં ગુજરાતની વલસાડ પોલીસ તેને શોધી રહી હતી. તેની વિરુદ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(4) અને 305(એ) હેઠળ એફઆઈઆર નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સઈદ ભાયંદરમાં સંતાયેલો હોવાની માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતું. સઈદ રીઢો આરોપી હોઈ તે મુંબઈ અને પુણેમાં નોંધાયેલા ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું તપાસમાં જણાયું હતું. તેની વિરુદ્ધ 30થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ચોરી જેવા ગુનાનો સમાવેશ થાય છે. વધુ તપાસ માટે તેને વલસાડ પોલીસના તાબામાં સોંપાયો હતો. (પીટીઆઈ)