નો ડમ્પિંગઃ મુંબઈના મેડિકલ વેસ્ટને અન્યત્ર ખસેડવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો
મુંબઈઃ ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈના જાણીતા ગેટવે ઓફ ઈન્ડિયા નજીક કચરો ઠાલવવા મુદ્દે સૌથી મોટી ધમાલ થઈ ગઈ હતી. મુંબઈમાં હવે ડમ્પિંગ ગ્રાઉન્ડની સમસ્યા વકરી રહી છે, ત્યારે મેડિકલ વેસ્ટને માત્ર દેવનાર અને તેની આસપાસના ઉપનગરોમાં જ નહીં, પરંતુ નવી મુંબઈના વાશી, કોપરખૈરણે, પામ બીચ રોડ પરના રહેણાંક સંકુલોમાં દેવનારના કચરાના ઢગલામાંથી વહેતી ગટરોના ગંદા પાણીથી રહેવાસીઓ પરેશાન છે, તેથી રાજ્ય સરકાર અને પાલિકા પ્રશાસને મુંબઈના મેડિકલ વેસ્ટ પ્રોજેક્ટને દેવનાર વેસ્ટ ગ્રાઉન્ડ પરથી રાયગઢ જિલ્લાના પાતાળગંગા ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થળાંતરિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને આ હેતુ માટે જરૂરી ૧૮,૬૦૦ ચોરસ મીટરનો પ્લોટ સંબંધિત કંપનીને વહેંચવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટ પ્રદૂષણ, દુર્ગંધની ફરિયાદો અને કોર્ટના આદેશોના ચક્કરમાં ફસાઈ ગયો હતો.
વર્ષ ૨૦૦૯માં મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈની તમામ હોસ્પિટલો, ચાર મોટી મ્યુનિસિપલ હોસ્પિટલો, ઉપનગરીય હોસ્પિટલો, દવાખાનાઓ, શહેરની ખાનગી હોસ્પિટલો, સરકારી મોટી હોસ્પિટલોના તમામ આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ ઉત્પન્ન થતા બાયો-મેડિકલ વેસ્ટને એકત્ર કરવા અને તેના નિકાલ માટે એસએમએસ એવો ક્લિન પ્રા. લિ.ને ૨૦ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટ દેવનારમાં ચાર એકર જમીન પર બનાવવામાં આવ્યો હતો. મુંબઈનો બાયોમેડિકલ વેસ્ટ દેવનાર લાવી સળગાવવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી, તેનાથી પ્રદૂષણની સાથે શહેરીજનોમાં શ્વસન સંબંધી બીમારીઓ પણ વધી રહી હોવાની ફરિયાદો આવતી હતી. ૨૦૨૨માં ગોવંડી ન્યૂ સંગમ વેલ્ફેર સોસાયટીના રેસિડેન્ટ એસોસિએશને આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ પ્રોજેક્ટને અઢાર મહિનામાં અહીંથી ખસેડવાનો આદેશ આપ્યો હતો.
દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકા તેમજ રાજ્ય સરકારે આ મેડિકલ વેસ્ટના નિકાલ માટે નવી જગ્યા શોધવાનું શરૂ કર્યું. આખરે રાયગઢ જિલ્લાના પાતાળગંગા એમઆઇડીસી પટ્ટામાં જગ્યા નક્કી કરવામાં આવી છે, એમ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.