‘સનાતની આતંકવાદ’ ટિપ્પણી પર હોબાળો: નિતેશ રાણેએ શરદ પવારને સવાલ પૂછ્યા, શું આ માનસિકતા સ્વીકાર્ય છે?

મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણની ‘ભગવા આતંકવાદ‘ને બદલે ‘સનાતની અથવા હિન્દુ આતંકવાદી’ શબ્દોનો ઉપયોગ કરવા અંગેની ટિપ્પણી તેમ જ એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડની ‘સનાતની આતંકવાદ’ની ટિપ્પણીના મુદ્દે મહારાષ્ટ્રમાં વિવાદ ઊભો થયો છે. આ સંદર્ભે નિતેશ રાણેએ આકરી પ્રતિક્રિયા આપી છે.
નિતેશ રાણેએ તેમની શૈલીમાં પ્રહાર કરતા કહ્યું છે કે ‘જિતેન્દ્ર આવ્હાડ પોતે હિન્દુ છે એ ભૂલી ગયા છે? હિંદુ હોવા છતાં તેઓ હિંદુ ધર્મની ટીકા કરતા રહે છે. તેઓ કહે છે કે તમામ નાલાયક લોકો હિંદુ ધર્મમાં જન્મે છે.
આપણ વાંચો: ‘ભગવા’ આતંકવાદ શબ્દનો જન્મ માલેગાંવ બ્લાસ્ટથી થયો, જાણો કેસની અજાણી વાતો
શું શરદ પવાર અને સુપ્રિયા સુળે જિતેન્દ્ર આવ્હાડની આ માનસિકતાને સ્વીકારે છે? જો કોઈ હિન્દુ બનીને સનાતન ધર્મને બદનામ કરીને જેહાદી માનસિકતા સાથે મતદારોને ખુશ કરવાનું કામ કરતું હોય તો એવા લોકોની સખત નિંદા થવી જોઈએ.’
સંજય રાઉત પર નિશાન સાધતાં નિતેશ રાણેએ કહ્યું હતું કે ‘તેમણે પોતાના જ બોસને ઘરે બેસાડ્યા છે. આવી સ્થિતિમાં ખુલાસો કરવાની ધમકી આપવાનો તેમને અધિકાર નથી. દેવેન્દ્ર ફડણવીસે સંજય રાઉત અને તેના માલિક બંનેને ઘરે બેસાડ્યા છે. સંજય રાઉત જેવા નેતાઓ નાનકડા તોફાન જેવા છે. એમને વધુ ભાવ આપવાની જરૂર નથી.
આપણ વાંચો: ‘ભગવા’ શબ્દ મુદ્દે ‘બબાલ’: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણે આપ્યું વિવાદાસ્પદ નિવેદન…
આવ્હાડે આરોપ મૂક્યો હતો કે જેમણે ભગવાન બુદ્ધને હેરાન કર્યા, બૌદ્ધ સાધુઓની હત્યા કરી, છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનો વિરોધ કર્યો અને છત્રપતિ સંભાજી મહારાજ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું તે બધા ‘સનાતની આતંકવાદી’ હતા.
આવ્હાડએ એવો પણ આરોપ કર્યો હતો કે જે લોકોએ સાવિત્રીબાઈ ફૂલે પર ગાયનું છાણ ફેંક્યું હતું, મહાત્મા ફૂલેનો બહિષ્કાર કર્યો હતો, ગોવિંદ પાનસરે, નરેન્દ્ર દાભોલકર, એમએમ કલબુર્ગી અને ગૌરી લંકેશ પર હુમલો કર્યો હતો અને પીડિતોને પાણી આપવાનો ઇનકાર કર્યો હતો તે ‘સનાતની આતંકવાદીઓ’ હતા.
જે લોકોએ પ્રાર્થના કરવા જઈ રહેલા મહાત્મા ગાંધીને ગોળી મારી હતી અને જે લોકો માને છે કે ડો.આંબેડકર દ્વારા લખાયેલા બંધારણ કરતા મનુસ્મૃતિ વધુ મહત્વપૂર્ણ છે તેઓ પણ ‘સનાતની આતંકવાદીઓ’ છે.