મુંબઈમાં તોફાને સર્જી તબાહીઃ ઘાટકોપરમાં હોર્ડિંગ પડતા જાનહાનિના સમાચાર
મુંબઈઃ મુંબઈમાં આ સિઝનનો પહેલો વરસાદ મોટી આફતનું નિર્માણ થયું. ચક્રવાતને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જ્યારે તેને કારણે ટ્રેન-હવાઈ સેવા પર અસર પડી હતી. વરસાદ-તોફાનને કારણે મુંબઈગરાને ગરમીમાંથી રાહત તો મળી હતી, પરંતુ અચાનક આવેલા ચક્રવાતને કારણે ઘાટકોપરમાં મોટી જાનહાનિનું નિર્માણ થયું હતું. ઘાટકોપરમાં ચક્રવાત-વાવાઝોડાને કારણે 100 ફૂટનું હોર્ડિંગ ઉખડીને પેટ્રોલ પંપ પર પડ્યું હતું. આ બનાવમાં અનેક લોકો ઘાયલ થયા છે, જ્યારે 100થી વધુ લોકો ફયાસા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ઘાટકોપરમાં જિમખાના નજીક સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો. 100 ફૂટનું હોર્ડિંગ તૂટી પડવાને કારણે 62 જણને ઈજા પહોંચી છે. ઉપરાંત, ત્રણ જણનાં મોત થયા છે. 59 જણની સારવાર ચાલુ છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. આ બનાવ પછી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી માટે ક્રેન અને ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈમાં ઘાટકોપર, કુર્લા, બાંદ્રા, ધારાવી સહિતના અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની સાથે ચક્રવાત ફૂંકાયું હતું. ચક્રવાતને કારણે હવાઈ સેવા પર અસર પડી હતી. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીએ કહ્યું હતું કે વરસાદ-તોફાનને કારણે 15 જેટલી ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી છે. સવા પાંચ વાગ્યા પછી હવાઈ સેવા શરુ કરવામાં આવી હતી. પ્રીમોન્સૂન કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હોવાથી સમયસર ફ્લાઈટ સેવા ફરી શરુ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વરસાદ-તોફાનને કારણે મુંબઈમાં ધુળની ડુમરી પણ ઉડી હતી. અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે મુંબઈના ઉપનગર થાણે, અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્હાસનગરમાં કલાકના 60 કિલોમીટર ઝડપથી ફૂંકાયો હતો. ધુળની ડમરી ઉપડવાને કારણે અમુક વિસ્તારમાં જાણે અંધારપટ છવાયો હતો. નેશનલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને ડાઈવર્ટસ કરવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા ચક્રવાતને કારણે નાગરિકોને ઘરમાં રહેવાનો અનુરોધ કર્યો હતો.