આમચી મુંબઈ

ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: પંદર કરોડ રૂપિયા મેળવનારા ઝારખંડના હોટેલિયરની ધરપકડ

મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ શનિવારે ઝારખંડથી 47 વર્ષના હોટેલિયરની ધરપકડ કરી હતી.

આરોપીની ઓળખ રાજીવરંજન રમેશચંદ્ર પાંડે ઉર્ફે પવન ગુપ્તા તરીકે થઇ હોઇ આ કેસમાં ધરપકડ કરાયેલા હિતેશ મહેતા, ઉલ્હાનાથન અરુણાચલમ તેમ જ તેના પુત્રએ તેમની ઓફિસમાં પાંડેને પંદર કરોડ રૂપિયા આપ્યા હતા. પાંડેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે આઠ પર પહોંચી છે.

ઝારખંડની કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને પાંડેને મુંબઈ લવાયો હતો. પાંડેને રવિવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 28 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી, જેને પગલે પોલીસે વધુ તપાસ આદરી હતી.

આપણ વાંચો: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: ભાજપના નેતાના ભાઇની ધરપકડ…

પોલીસ તપાસમાં એવું સામે આવ્યું હતું કે બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ મહેતા, વેપારી ઉલ્હાનાથન અરુણાચલમ અને મનોહર અરુણાચલમે બૅંકમાંથી પંદર કરોડ રૂપિયા કાઢ્યા હતા, જે અરુણાચલમની ઓફિસમાં પાંડેને અપાયા હતા. પાંડે એ રકમ સીએસઆર ફંડ ઉપલબ્ધ હોય એવી કંપનીમાં રોકી તેના બદલામાં પચાસ ટકા વધુ રકમ મેળવી આપવાનો હતો.

આ કેસમાં પાંડેનું નામ સામે આવ્યા બાદ પોલીસની ટીમ તેને પકડવા ઝારખંડ રવાના થઇ હતી. ત્યાં સ્થાનિક પોલીસની મદદથી પાંડેને તેના નિવાસેથી તાબામાં લેવાયો હતો. એ સમયે પાંડેએ બૂમાબૂમ કરી લોકોને એકઠા કર્યા બાદ ત્યાંથી પલાયન થઇ ગયો હતો.

દરમિયાન પાંડે વિશે તેના ભત્રીજાને જાણ હોવાથી તેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. ભત્રીજાએ બાદમાં પાંડેને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. પાંડે પોલીસ સ્ટેશન આવ્યા બાદ તેની પૂછપરછ કરી હતી, જેમાં પાંડેએ પંદર કરોડ સ્વીકાર્યા હોવાનું કબૂલાત કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button