એનસીપી (એસપી)એ મહારાષ્ટ્ર ચૂંટણી માટે વધુ પાંચ ઉમેદવારો જાહેર કર્યા

મુંબઈ: શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)એ મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે વધુ પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા અને આની સાથે જ એનસીપી એસપીના ઉમેદવારોની સંખ્યા વધીને 87 થઈ ગઈ છે.
પાર્ટીએ સોમવારે 20 નવેમ્બરની ચૂંટણી માટે સાત ઉમેદવારો સાથે તેની ચોથી યાદી બહાર પાડી હતી. તેણે નાગપુર જિલ્લાના કાટોલ વિધાનસભા મતવિસ્તારમાંથી વર્તમાન વિધાનસભ્ય અનિલ દેશમુખને સ્થાને તેમના પુત્ર સલીલને ઉમેદવારી આપી હતી.
છેલ્લી યાદીમાં, પવારે સોલાપુર જિલ્લાની મોહોળ વિધાનસભા બેઠક પરથી સિદ્ધિ રમેશ કદમને રાજુ ખરેની બદલે ઉમેદવારી આપી હતી. કદમના નોમિનેશનનો સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે તે મતવિસ્તારના રહેવાસી નથી.
પાર્ટીએ માઢા વિધાનસભા મતવિસ્તારમાંથી અભિજીત પાટીલ અને સોલાપુર જિલ્લામાં પંઢરપુર બેઠક પરથી અનિલ સાવંતને મેદાનમાં ઉતાર્યા છે.
અમરાવતી જિલ્લાના મોર્શી વિધાનસભા મતવિસ્તારમાં ગિરીશ કરોલે ચૂંટણી લડશે, જ્યારે સંગીતા વાજે મુંબઈની મુલુંડ બેઠક પરથી ચૂંટણી લડશે.
એનસીપી(એસપી), શિવસેના (યુબીટી) અને કોંગ્રેસ સાથે એમવીએના મુખ્ય ઘટકપક્ષો છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 102 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે અને શિવસેના (યુબીટી) એ પણ 80થી વધુ ઉમેદવારો જાહેર કર્યા છે.