એનસીબીએ અહમદનગરમાંથી 111 કિલો ગાંજો જપ્ત કર્યો: ચાર તસ્કરની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ તસ્કરોની આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરી અહમદનગર ખાતેથી 111 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. ઓડિશાથી ગાંજો લાવી મુંબઈ-પુણેમાં સપ્લાય કરનારી આ ટોળકીના ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી.
એનસીબીએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ એસ. એમ. મોરે, એલ. શેખ, આર. મોહિતે અને એસ. શેખ તરીકે થઈ હતી. અધિકારીઓએ અંદાજે બે કરોડ રૂપિયાનો 111 કિલો ગાંજો, ડ્રગ્સની તસ્કરીમાં ઉપયોગમાં લેવાતાં બે વાહન જપ્ત કર્યાં હતાં.
આ પણ વાંચો: એનસીબીએ બે ડ્રગ તસ્કરની ધરપકડ કરી 75 લાખનું એમડી જપ્ત કર્યું
પુણેની સિન્ડિકેટ ગેરકાયદે ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયેલી હોવાની માહિતી એનસીબીના મુંબઈ ઝોનલ યુનિટને મળી હતી. આ સિન્ડિકેટે હાલમાં જ મોટા પ્રમાણમાં ગાંજો ઓડિશાથી મગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે આરોપીઓ વારંવાર તેમનાં રહેઠાણ, તસ્કરીના માર્ગ, મોબાઈલ નંબર બદલતા હતા. આરોપીઓની મોડસ ઑપરેન્ડીનો અભ્યાસ કરી એનસીબીની ટીમ અહમદનગર પહોંચી હતી. ત્યાંના પાથર્ડી ખાતેથી ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગાંજાનાં પૅકેટ ડિલિવરી માટે તૈયાર કરવામાં આવ્યાં હતાં. અધિકારીઓની સમયસરની કાર્યવાહીથી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી હતી. પકડાયેલા ચારેય આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.