બૅંક કર્મચારીના સ્વાંગમાં લોકો સાથે છેતરપિંડી આચરનારા આરોપીની નવી મુંબઈથી ધરપકડ

મુંબઈ: બૅંક કર્મચારીના સ્વાંગમાં લોકોને લોન અપાવવાને નામે છેતરપિંડી આચરનારા આરોપીને આગ્રીપાડા પોલીસે નવી મુંબઈના ઉલવેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ લક્ષ્મણ મારુતિ જોગળેકર તરીકે થઇ હોઇ તેની પાસેથી 27 મોબાઇલ, વિવિધ બૅંકના પચીસ ડેબિટ કાર્ડ, વિવિધ બૅંકની 53 પાસબૂક તથા અન્ય મતા જપ્ત કરાઇ હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી લક્ષ્મણ જોગળેકર સામે તુર્ભે, પનવેલ, માટુંગા સહિત પુણેના ભોસરી અને વિમાનતળ તેમ જ થાણેના થાણેનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ચોરીના આઠ ગુના દાખલ હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: આર્મી ઓફિસરના સ્વાંગમાં લોકોને છેતરતી મહિલા પકડાઇ: શસ્ત્રો અને યુનિફોર્મ જપ્ત
આગ્રીપાડા પોલીસ સ્ટેશનની હદમાં સાતરસ્તા સર્કલ નજીક રહેલી મિનલ મર્ચંડેએ વર્તમાનપત્રમાં લોન અંગે જાહેરાત વાચી હતી અને તેમાં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક સાધ્યો હતો. આરોપી લક્ષ્મણ જોગળેકરે પોતાની ઓળખ બૅંક કર્મચારી તરીકે આપી હતી અને લોન અપાવવાને બહાને મિનલ સાથે છેતરપિંડી આચરી હતી. આથી તેણે આગ્રીપાડા પોલીસ સ્ટેશનમં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ ટીમે આરોપીની શોધ આદરી હતી અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે તેને ઉલવેથી તાબામાં લીધો હતો. આરોપીએ આ પ્રકરણે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં જણાયું હતું.