નવી મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો સ્થપાશે

થાણે: નવી મુંબઈને પર્યાવરણ-અનુકૂળ શહેર તરીકે ઓળખ મળે તે માટે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. નવી મુંબઈ મહાપાલિકા શહેરમાં પ્રદૂષણને ઘટાડવા, તેમજ પ્રદૂષણ નિયંત્રણ, ઉર્જા સંરક્ષણ અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના પગલાંના ભાગ રૂપે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની યોજના બનાવી રહી છે. આ પગલું ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે.
કેન્દ્ર સરકારની નીતિ મુજબ, ૨૦૩૦ સુધીમાં દેશમાં ઓછામાં ઓછા ૩૦ ટકા વાહનો ઇલેક્ટ્રિક હોવા જોઈએ, અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન આ લક્ષ્ય તરફ સક્રિયપણે આગળ વધી રહ્યું છે.
આપણ વાચો: ઇલેક્ટ્રિક વાહનોને ટોલ મુક્તિ, પેસેન્જર ઇવી પર મોટી સબસિડી; રાજ્ય સરકારે નવી ઈવી નીતિને મંજૂરી આપી…
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્રમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થપાશે. આ સ્ટેશનો માટે, ફૂટપાથ , મોલ, વિભાગીય કચેરીઓ, મુખ્યાલય, સામાજિક કેન્દ્રો, ઉદ્યાનો અને પાર્કિંગ લોટ જેવા જાહેર સ્થળોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે મુજબ, શહેરના ૨૪ ક્લસ્ટરોમાં કુલ ૧૪૩ ચાર્જિંગ પોઇન્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં, ઝોન એક અને બેમાં ચાર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે, જેમાં કુલ ૪૮ ચાર્જિંગ પોઈન્ટ હશે. વિવિધ કંપનીઓ દ્વારા સ્થાપિત થનારા આ ચાર્જિંગ સ્ટેશનો માટે સંબંધિત જગ્યાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયુક્ત એજન્સીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આપણ વાચો: સમૃદ્ધિ અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાંથી ‘મુક્તિ’ આપવાનો પ્રસ્તાવ…
પ્રોજેક્ટમાંથી મહાનગરપાલિકાને પ્રતિ કિલોવોટ રૂ. ૪ ની આવક થાવાનો અંદાજ છે. આ મટે ૧૫મા નાણાપંચ હેઠળ ‘મિલિયન પ્લસ સિટીઝ’ જૂથ હેઠળ એર ક્વોલિટી ઇમ્પ્રૂવમેન્ટ ફંડમાંથી રૂ. ૨ કરોડ ખર્ચવામાં આવશે.
ચાર્જિંગ સ્ટેશન વિસ્તારમાં જાહેરાત, ઇલેક્ટ્રિક લાઇટિંગ અને અન્ય સુવિધાઓ માટે ખુલ્લી જગ્યા પૂરી પાડવામાં આવશે. આ જાહેરાતોમાંથી થતી આવકનો હિસ્સો મહાનગરપાલિકાને આપવામાં આવશે. ઉપરાંત, મહાનગરપાલિકાની પરવાનગીથી, આ સ્થળે ખાદ્યપદાર્થ અને પાણી વેચવા માટે કિઓસ્ક સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે.



