નવી મુંબઈમાં મહિલા ચૂંટણી અધિકારીને ધમકી: પોલીસ ફરિયાદ નોંધાઈ…

નવી મુંબઈ: નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લગતી તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ઘણસોલી વૉર્ડની મહિલા ચૂંટણી અધિકારીને ધમકી આપવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઘણસોલી વૉર્ડની ચૂંટણી અધિકારી તેમ જ ઉપજિલ્લાધિકારી કલ્પના ગોડેએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સંબંધી કામકાજની ફરજ બજાવતી વખતે એક વ્યક્તિ દ્વારા તેના પર દબાણ લાવવામાં આવ્યું હતું. સંબંધિત વ્યક્તિએ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ઘણસોલી પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર આ વ્યક્તિએ ચૂંટણી અધિકારીના પર્સનલ મોબાઈલ નંબર પર તેમ જ વ્હૉટ્સઍપ દ્વારા સંપર્ક સાધીને ધમકી આપી હતી. એ સિવાય સોશ્યલ મીડિયા પર મહિલા અધિકારી વિશે દ્વેષપૂર્ણ અને બદનક્ષીભર્યું લખાણ વાયરલ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો હતો. આવા કૃત્યથી ચૂંટણી કામકાજમાં વિઘ્ન ઊભું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ ઘટના બાબતે ઘણસોલી વૉર્ડના ચૂંટણી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે ફોજદારી ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…પાલિકાની ચૂંટણી: થાણેમાં 2.75 કરોડ રૂપિયાના ડ્રગ્સ અને દારૂ જપ્ત…



