નવી મુંબઈ એરપોર્ટ અંગે આવી નવી અપડેટઃ DGCA એ આપ્યું આ મહત્વપૂર્ણ લાઇસન્સ

મુંબઈ/નવી મુંબઈઃ મહારાષ્ટ્રમાં હવે નવી મુંબઈને પણ નવું એરપોર્ટ મળવાની ઘડીઓ ગણાઈ રહી છે, જેના ઉદ્ઘાટન માટેની અનેક ડેડલાઈન પછી હવે દિવસોમાં તો એટલિસ્ટ સેવામાં આવી જશે, પરંતુ એની વચ્ચે નવી મુંબઈ એરપોર્ટને લઈને એક મહત્ત્વના સમાચાર મળ્યા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બહુપ્રતિક્ષિત એરોડ્રોમ લાઇસન્સ આપ્યું છે.
પેસેન્જર અને કાર્ગો કનેક્ટિવિટી બંનેને વેગ મળશે
આ લાઇસન્સ એરપોર્ટ માટે કામગીરી શરૂ કરવા માટે એક ફરજિયાત અને મહત્વપૂર્ણ પગલું છે, જે દર્શાવે છે કે એરપોર્ટે તમામ કડક સલામતી અને નિયમનકારી ધોરણોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ડીજીસીએની મંજૂરી સાથે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે, જે આ ક્ષેત્રમાં પેસેન્જર અને કાર્ગો કનેક્ટિવિટી બંનેને વેગ આપશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ એર ઈન્ડિયાની રોજની 20 ફ્લાઇટ્સ શરૂ થશે
ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના સંચાલક, નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે DGCA તરફથી એરોડ્રોમ લાઇસન્સ મેળવવું એ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ લાઇસન્સ કડક સલામતી અને નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કર્યા પછી આપવામાં આવે છે અને કામગીરી શરૂ કરવા માટે તે જરૂરી છે. આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપ અને મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ સત્તામંડળ, સિડકો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહ્યો છે.
વર્ષે 20 મિલિયન મુસાફરને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે
NMIA પ્રોજેક્ટ પાંચ તબક્કામાં પૂર્ણ થશે. તેના પ્રથમ તબક્કામાં એરપોર્ટ દર વર્ષે 20 મિલિયન મુસાફરો અને 0.5 મિલિયન મેટ્રિક ટન કાર્ગોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું હતું કે લાઇસન્સ પ્રાપ્ત થયા પછી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ તે વિઝનની નજીક પહોંચી ગયું છે, જેમાં તેઓ નવી મુંબઈને આધુનિક આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરવા અને તેને વૈશ્વિક નેટવર્ક સાથે જોડવા માટે કામ કરી રહ્યા છે.
આ નવા એરપોર્ટનું ઉદ્ઘાટન ઓક્ટોબરની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે. આ એરપોર્ટ મુંબઈના હાલના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વધતા ભારને ઘટાડવામાં અને મુંબઈ-પુણે-નાશિક આર્થિક કોરિડોરમાં આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.