નવી મુંબઈમાંથી 11 મહિનામાં 499 બાળક ગુમ: છોકરીઓનું ગુમ થવાનું પ્રમાણ વધુ

વાલીઓએ બાળકોના વર્તન અને ઑનલાઈન પ્રવૃત્તિ પર ધ્યાન આપવાની જરૂર: પોલીસ
થાણે: નવી મુંબઈમાંથી જાન્યુઆરીથી નવેમ્બર મહિના દરમિયાન 499 બાળક ગુમ થયા હતા, જેમાં છોકરીઓનું પ્રમાણ વધુ હોવાથી ચિંતાનો વિષય હોવાનું કહેવાય છે. પોલીસે અપહરણના ગુના નોંધી તપાસ દરમિયાન 458 બાળકને શોધી કાઢ્યા હતા, જ્યારે 41 જણની હજુ કોઈ ભાળ મળી નથી. વાલીઓએ બાળકોના વર્તનમાં થતા ફેરફાર અને તેમની ઑનલાઈન પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોવાની અપીલ પોલીસે કરી હતી.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ શોધી કાઢવામાં આવેલા 458 બાળકોની પૂછપરછમાં તેમના ગુમ થવા પાછળ મોટે ભાગે ભાવનાત્મક તાણ અને અંગત સંજોગો કારણભૂત હોવાનું જણાયું હતું, જ્યારે ગુનાહિત હેતુ નહીંવત્ જણાયો હતો.
સગીર છોકરા-છાકરી ગુમ થવાની ફરિયાદ મળતાં અપહરણનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે છે. વર્ષ દરમિયાન નોંધાયેલા કેસોમાંથી 128 કેસ પ્રેમ પ્રકરણ સાથે સંબંધ ધરાવતા હતા, જ્યારે 114 બાળક વાલીઓના ખીજાવાને કારણે ઘર છોડી ગયા હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: નવી મુંબઈમાં જુદા જુદા ભાગમાંથી 24 કલાકમાં છ બાળક ગુમ: એકને શોધી કઢાયો
તપાસમાં જણાયું હતું કે 103 બાળક તેમનાં સગાંસંબંધીને ઘરે જતા રહ્યા હતા, જ્યારે 63 સગીર ફરવા ગયા હતા અને 48 સગીર પ્રેમિકાના ઘરેથી મળી આવ્યા હતા. એક ફરિયાદમાં માનસિક વિકલાંગ બાળકને લગતી હતી તો એક એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધાયો હતો.
વર્ષ દરમિયાન નોંધાયેલા અપહરણના કેસોમાં પચીસ કેસ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળના હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ગુમ થયેલા 499 બાળકમાં 349 છોકરીનો સમાવેશ થાય છે, જેમાંથી 315 છોકરી શોધી કાઢવામાં સફળતા મળી હતી. હજુ 41 બાળક ગુમ હોવાથી તેમાં 34 છોકરીનો સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન બાળકોના અપહરણના કુલ 483 કેસ નોંધાયા હતા, જેમાંથી 442 ઉકેલાયા હતા.
આ પણ વાંચો: પાલઘરમાં ગુમ થયેલી આદિવાસી બાળકી ગણતરીના કલાકોમાં મળી આવી…
નવી મુંબઈમાંથી સગીર છોકરીઓ ગુમ થવાનું પ્રમાણ વધી રહ્યું હોવાથી એ ચિંતાનો વિષય હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મોટા ભાગે 15થી 17 વર્ષની છોકરીઓ ગુમ થઈ રહી છે. બદલાતી જીવનશૈલી, ડિજિટલ દુનિયાનું વધતું આકર્ષણ અને પરિવારજનો સાથેના સંવાદનો અભાવ આ માટે કારણભૂત હોવાનું પોલીસ માની રહી છે.
આના ઉપાય તરીકે વાલીઓ માટે પોલીસ દ્વારા વિશેષ જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બાળકોના રોજિંદા વર્તનમાં આવતા બદલાવ, તેમની ઑનલાઈન પ્રવૃત્તિ, અજાણી વ્યક્તિ સાથે ચૅટિંગ તરફ વાલીઓએ ધ્યાન આપવાની જરૂર હોવાનું પોલીસનું કહેવું છે.



