માતાને સાજી કરવાને બહાને પુત્ર પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા: છ વિરુદ્ધ ગુનો

થાણે: માતાની બીમારી દૂર કરી આપવાને બહાને છ શખસે છ મહિના દરમિયાન 22 વર્ષના પુત્ર પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી.
નેરુળમાં રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે છ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે કથિત ગુનો 2019થી ફેબ્રુઆરી, 2025 દરમિયાન બન્યો હતો. આરોપીઓની ઓળખ મુસ્તફા શેખ ઉર્ફે કાંબળે, આહત શેખ, સફીના નાનુ શેખ, નાનુ શેખ, વાસિમ શેખ અને રફીક શેખ તરીકે થઈ હતી. આરોપીઓ પાલઘર જિલ્લાના સફાળેના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: રેલવેમાં નોકરી અપાવવાને બહાને 23 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો…
આરોપીઓએ તેજસ ઘોડેકરને તેમની પાસે અદ્ભુત શક્તિઓ છે અને તેઓ તેની માતાને સાજી કરી શકે છે, એમ કહીને વિશ્ર્વાસ કેળવ્યો હતો. આરોપીઓના દાવા પર ભરોસો કરીને યુવાને છ વર્ષના સમયગાળામાં સમયાંતરે 3.10 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
ફરિયાદીની માતાના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ન જણાતાં તેણે રૂપિયા પાછા માગ્યા હતા. વારંવાર માગણી કરવા છતાં આરોપીઓએ માત્ર 19 લાખ રૂપિયા પાછા આપ્યા હતા. બાકીના 2.91 કરોડ રૂપિયા આરોપીઓએ ચૂકવ્યા નહોતા.
આ પણ વાંચો: નાગપુરની શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ હોદ્દા પર નોકરીને બહાને 1.28 કરોડની ઠગાઇ
બાકીની રકમ પાછી માગવા પર આરોપીઓએ તેને અને તેના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ યુવાન પાસે કોરા સ્ટૅમ્પ પેપર્સ પર સાઈન પણ કરાવી લીધી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું. યુવાનની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)