મહારાષ્ટ્રમાં એક પણ લઘુમતી ઉમેદવાર ન આપવાથી નસીમ ખાન નારાજ
(અમારા પ્રતિનિધિ તરફથી)
કોંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ)એ આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાંથી એક પણ લઘુમતી સમુદાયના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હોવાથી રાજ્યના અનેક લઘુમતી સંગઠનો, કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને મહારાષ્ટ્ર તેમ જ મુંબઈનો લઘુમતી સમુદાય ભારે નારાજ છે.
મહારાષ્ટ્ર એક પ્રગતિશીલ રાજ્ય છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક જાતિ અને સમુદાયનું પ્રતિનિધિત્વ કરવામાં આવે તેવી અપેક્ષા છે. કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્રમાં 2019 સુધીની દરેક ચૂંટણીમાં લઘુમતી સમુદાયના 1 કે 2 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
2 મહિના પહેલા કોંગ્રેસે ઉત્તર મધ્યમાંથી લઘુમતી સમુદાયના વરિષ્ઠ નેતા, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા, ચાર વખતના વિધાનસભ્ય અને રાજ્યમાં પાંચ વખત પ્રધાન રહી ચૂકેલા મોહમ્મદ આરિફ (નસીમ) ખાનને ઉમેદવાર બનાવવાની વાત કરી હતી. મુંબઈમાં 6.50 લાખ લઘુમતી અને 2 લાખ હિન્દીભાષી બહુમતી ધરાવતો ઉત્તર- મધ્ય મુંબઈ લોકસભા મતવિસ્તાર પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. જેના કારણે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. પરંતુ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ ઉત્તર-મધ્ય મુંબઈના ઉમેદવારની ગુરુવારે જાહેરાત કરતાં મહારાષ્ટ્રમાં ખાસ કરીને લઘુમતી સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસનાં ઉમેદવારનું વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વિવાદ સર્જતું નિવેદન
નસીમ ખાનને મહારાષ્ટ્રમાં લોકસભાના ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કાના સ્ટાર કેમ્પેનર તરીકે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ અને મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ અને મહારાષ્ટ્ર પ્રચાર સમિતિ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પોતાનું રાજીનામું પણ મોકલી દીધું છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ 48 માંથી એક પણ લઘુમતી ઉમેદવાર આપ્યો ન હોવા અંગે નારાજગીને આનું કારણ ગણાવતાં નસીમ ખાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના વફાદાર કાર્યકર તરીકે હું નબળા સંજોગોમાં પણ પાર્ટી દ્વારા આપવામાં આવેલા તમામ આદેશોનું સંપૂર્ણ પ્રમાણિકતાથી ચુસ્તપણે પાલન કરતો રહ્યો છું પરંતુ મને પાર્ટીના પ્રચારની જવાબદારી આપવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, તેલંગણા, ગોવા અને મહારાષ્ટ્રમાં મેં પ્રચારની જવાબદારી નિષ્ઠાપુર્વક પાર પાડી હતી, પરંતુ કોંગ્રેસે આ લોકસભાની ચૂંટણીમાં લઘુમતી ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હોવાથી, પ્રચાર દરમિયાન લઘુમતી સમુદાય જ્યારે મને એવા સવાલ કરશે કે મહારાષ્ટ્રમાં એક પણ લઘુમતી ઉમેદવારને કેમ ઊભો રાખી શક્યો નહીં? ત્યારે તેમને આપવા માટે મારી પાસે જવાબ નથી. આથી હું આગામી સમયમાં પ્રચારમાં સહભાગી થવા ઈચ્છતો નથી.