PM Modi કદાચ સપ્તાહમાં ૧૦૦ કલાક કામ કરનાર એકમાત્ર વ્યક્તિ: મૂર્તિનું નિવેદન...
આમચી મુંબઈ

PM Modi કદાચ સપ્તાહમાં ૧૦૦ કલાક કામ કરનાર એકમાત્ર વ્યક્તિ: મૂર્તિનું નિવેદન…

અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના ટાર્ગેટને પૂરો કરવાના પ્રયાસ કરશેઃ તેજસ્વી સૂર્યાએ

મુંબઈઃ ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ ફ્લાઇટમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ તેજસ્વી સૂર્યાને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કદાચ એકમાત્ર વ્યક્તિ છે જે અઠવાડિયામાં ૧૦૦ કલાક કામ કરે છે. બેંગલુરુ દક્ષિણના સાંસદ અને આઇટી ઉદ્યોગના આઇકનએ મુંબઈ-બેંગલુરુ ફ્લાઇટમાં લગભગ બે કલાક વાતચીત કરી હતી.

વાતચીતને “પ્રેરણાદાયી માસ્ટરક્લાસ” ગણાવતા સૂર્યાએ કહ્યું હતું કે તેઓએ ટેકનોલોજી અને ઉત્પાદનથી લઈને શહેરી શાસન, યુવાનોમાં કૌશલ્ય વધારો, નીતિશાસ્ત્ર અને નેતૃત્વ જેવા વિષયો પર ચર્ચા કરી હતી. એક્સ પર મૂર્તિ સાથે સેલ્ફી શેર કરતા સૂર્યાએ લખ્યું હતું કે મુંબઈથી બેંગલુરુ પાછા ફરતી વખતે આજે સુપ્રસિદ્ધ એનઆરએન સાથે પ્રેરણાદાયી વાતચીત થઈ. એનઆરએનએ ભારતીય આઇટી સેવા ક્ષેત્રનો પાયો નાખ્યો, તેને વૈશ્વિક પાવરહાઉસમાં ફેરવ્યો. તેમણે ઇન્ફોસિસ દ્વારા શાબ્દિક રીતે લાખો મધ્યમ વર્ગના પરિવારો માટે સંપત્તિનું સર્જન કર્યું.

સૂર્યાએ કહ્યું કે, યુવા ભારતીયોને મજબૂત કાર્ય નીતિ અપનાવવા માટે આહ્વાન કરતી મૂર્તિની અગાઉની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા “મેં અમારી વાતચીતના અંતે રમૂજી રીતે કટાક્ષ કર્યો કે હું તેમના અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાના લક્ષ્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. જેના પર તેમણે હસીને કહ્યું કે, ‘હું જાણું છું કે અઠવાડિયામાં ૧૦૦ કલાક કામ કરનાર એકમાત્ર વ્યક્તિ વડા પ્રધાન મોદી છે!

નારાયણ મૂર્તિનું ૭૦ કલાકના કાર્ય સપ્તાહનું સૂચન, જે ૨૦૨૩માં પહેલી વાર કરવામાં આવ્યું હતું અને ત્યારથી ઘણી વખત પુનરાવર્તિત થયું હતું, તે ઘણીવાર કાર્ય-જીવન સંતુલન અને ઉત્પાદકતા વિશેની વાતચીતમાં ફરી ઉભરી આવે છે. આ પહેલા, અનુભવી ઉદ્યોગસાહસિકે કહ્યું હતું કે તેઓ ૧૯૮૬માં ભારતના છ દિવસના કાર્ય સપ્તાહથી પાંચ દિવસના કાર્ય સપ્તાહમાં પરિવર્તનથી “નિરાશ” હતા. મૂર્તિએ એમ પણ કહ્યું હતું કે ભારતના વિકાસ માટે છૂટછાટ નહીં, બલિદાનની જરૂર છે.

“જ્યારે પીએમ મોદી અઠવાડિયામાં ૧૦૦ કલાક કામ કરે છે, ત્યારે આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેની કદર દર્શાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે એટલી જ સખત મહેનત કરવી,” એમ મૂર્તિએ નવેમ્બર ૨૦૨૪માં કહ્યું હતું. તેમણે બીજા વિશ્વયુદ્ધ પછીના જર્મની અને જાપાન વિશે પણ વાત કરીને દલીલ કરી હતી કે અવિરત મહેનતથી તે દેશોના પુનર્નિર્માણમાં મદદ મળી હતી. ઇન્ફોસિસના સ્થાપકે પાછળથી ટિપ્પણી કરી હતી કે, “મેં મારો દૃષ્ટિકોણ બદલ્યો નથી. હું આને જીવનપર્યંત લઈ જઈશ.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button