નારાયણ રાણે- એકનાથ શિંદે વચ્ચે બંધ બારણે થઈ ચર્ચા, પણ કારણ શું?

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ બંને નેતાઓ વચ્ચે ગુરુવારે મહત્ત્વની મુલાકાત થઈ હતી. બંને વચ્ચે બંધ બારણે થયેલી ચર્ચાના કારણે હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. બંને વચ્ચે શું વાત થઇ હતી તે જાણવાની બધાને તાલાવેલી છે. કારણ કે હજી સુધી આ બેઠક પાછળનું કારણ જાણી શકાયું નથી.
શિંદે અને રાણે વચ્ચે સહ્યાદ્રી ગેસ્ટ હાઉઝ ખાતે ચર્ચા થઇ હતી. બંને વચ્ચેની મુલાકાત વ્યક્તિગત હોવાનું કહેવામાં આવે છે. જોકે, શિવસેના, ભાજપ અને અજિત પવાર જૂથની એનસીપીની મહાયુતિ તરફથી રાણે સિંધુદુર્ગ મતદાર ક્ષેત્રમાંથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. સિંધુદુર્ગથી ચૂંટણી લડે તો મહાયુતિના અન્ય સાથી પક્ષના નેતાઓની પણ રાણેને મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે શિંદે જૂથના પ્રધાન ઉદય સામંતના મોટા ભાઇ કિરણ સામંત સિંધુદુર્ગ બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચા આ પૂર્વે થઇ રહી હતી. જોકે, સિંધુદુર્ગ-રત્નાગિરી એટલે કે કોંકણ પટ્ટામાં મજબૂત વર્ચસ્વ ધરાવતા નારાયણ રાણે આ બેઠક ઉપરથી હવે ચૂંટણી લડે તેવી શક્યતા હવે વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બેઠક હાલ ઉદ્ધવ ઠાકરે જૂથના તાબામાં છે. ઉદ્ધવ ઠાકરે જૂથના વિનાયક રાઉત અહીંના સાંસદ છે. હવે મહત્ત્વપૂર્ણ તેવી આ બેઠક માટે લોકસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે એ સ્પષ્ટ છે, એવી વર્તુળોએ શક્યતા વ્યક્ત કરી હતી.