RPF જવાન બન્યો દેવદૂતઃ યુવતીને મોતના મુખમાંથી બચાવી, CCTV ફૂટેજ વાયરલ…

નાગપુરઃ રેલવે દ્વારા વારંવાર ચેતવણીઓ આપવા છતાં મુસાફરો ચાલતી ટ્રેનમાં ચઢવાની કોશિશ કરે છે અને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આવું જ કંઈક મહારાષ્ટ્રના નાગપુર સ્ટેશન પર બન્યું હતું. નાગપુર સ્ટેશન પર એક યુવતીનો જીવ માંડ બચી ગયો હતો. પ્લેટફોર્મ પરથી ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે યુવતીનો પગ લપસી ગયો અને તે પડી ગઈ અને તેનો પગ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો હતો.
આ દરમિયાન, પ્લેટફોર્મ પર હાજર RPF જવાને તત્પરતા દાખવી અને છોકરીને પકડીને બહાર કાઢી. જો થોડો પણ વિલંબ થયો હોત તો છોકરીનો જીવ જઈ શક્યો હોત. રેલવે સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવતીએ જીવ બચાવનાર આરપીએફ અને કોન્સ્ટેબલનો આભાર માન્યો હતો.
આ આખી ઘટના નાગપુર રેલવે સ્ટેશનના ચાર નંબરના પ્લેટફોર્મની છે. નાગપુર-પુણે એક્સપ્રેસ (12136) સાંજના 6 વાગ્યે નાગપુરથી રવાના થઈ રહી હતી. આ દરમિયાન એક યુવતી ફૂટઓવર બ્રિજ પરથી દોડતી પ્લેટફોર્મ પર આવી અને ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરવા લાગી હતી. આ દરમિયાન, યુવતીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડવાની હતી. ત્યારે જ ફરજ પર હાજર RPF કોન્સ્ટેબલ ધીરજ દલાલે આ જોતા જ ઝડપથી દોડી ગયો અને તત્પરતા દાખવીને છોકરીને પ્લેટફોર્મ પર ખેંચી લીધી. જેનાથી તેનો જીવ બચી ગયો.
મહિલા મુસાફરે આરપીએફ અને કોન્સ્ટેબલ ધીરજ કુમારનો આભાર માન્યો. તેણે કહ્યું કે જો સમયસર મદદ ન મળી હોત તો ગંભીર અકસ્માત નક્કી થયો હોત. જોકે, કોન્સ્ટેબલે તેને સમયસર બહાર કાઢી અને તેનો જીવ બચાવ્યો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલમાં, યુવતીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. RPF એ મુસાફરોને કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે ટ્રેનમાં ચઢતી કે ઉતરતી વખતે વધુ કાળજી રાખવાની અપીલ કરી છે.