
મુંબઈ: નાગપુર ઍરપોર્ટ અને દક્ષિણ મુંબઈમાં ગિરગામ ચોપાટી નજીકના ઇસ્કોન મંદિરમાં બૉમ્બ બ્લાસ્ટની ધમકી સંદર્ભેના ઈ-મેઈલ મળતાં સઘન તપાસ કરાઈ હતી. જોકે તપાસ બાદ વિસ્ફોટક કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
પોલીસના જણાવ્યા મુજબ નાગપુર ઍરપોર્ટ પર બૉમ્બ પ્લાન્ટ કરાયાનો ઈ-મેઈલ ઍરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાને મંગળવારની સવારે મળ્યો હતો. આ અંગેની માહિતી નાગપુર ઍરપોર્ટના અધિકારીને આપવામાં આવી હતી. બૉમ્બની માહિતી મળતાં પોલીસ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ ઍરપોર્ટ પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી. જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી ન હોવાનું પોલીસનું કહેવું છે.
દરમિયાન રવિવારની સવારે ગિરગામ ચોપાટી ખાતેના ઈસ્કોન મંદિરને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. મેઈલમાં જણાવાયું હતું કે પાંચ આરડીએક્સ આઈઈડી અને શક્તિશાળી વિસ્ફોટકો મંદિર પરિસરમાં ગોઠવવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં જ રહેતા અને સીસીટીવી કૅમેરા, ફાયર સિસ્ટમ, બાયોમેટ્રિક સિસ્ટમ અને મંદિરના અધિકૃત ઈ-મેઈલ પર દેખરેખ રાખનારા સિક્યોરિટી મૅનેજર રાહુલ ગોવેકરની નજર મેઈલ પર પડી હતી. આ બાબતે તાત્કાલિક ગામદેવી પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી. જોકે મંદિર પરિસરમાં બારીકાઈથી તપાસ કરવા છતાં પોલીસને કોઈ વિસ્ફોટકો મળ્યા નહોતા. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.