મસ્કનો ભારતીય બજારમાં ધમાકેદાર પ્રવેશ: મુંબઈમાં ટેસ્લાનો પહેલો શોરૂમ શરૂ

મુંબઈ: જાણીતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ભારતીય માર્કેટમાં એન્ટ્રીની ઘડીઓ ગણાતી હતી, જેને લઈ સત્તાવાર રીતે ઓટોમોબાઈલ સેક્ટરમાં એન્ટ્રી કરીને મુંબઈમાં સૌથી પહેલો શોરુમ ખોલવામાં આવ્યો છે. ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લાએ આજે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં પોતાનો પહેલો શોરૂમ ખોલીને ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. આ શોરુમમાં ગ્રાહકો ટેસ્લાની અદ્યતન ટેકનોલોજીનો અનુભવ કરી શકશે.
મુંબઈમાં ટેસ્લાનું ભવ્ય ઉદ્ઘાટન
બીકેસી સ્થિત 4,000 ચોરસ ફૂટના વિસ્તારમાં શોરૂમનું નિર્માણ કર્યું છે, જ્યારે તેનું નેતૃત્વ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. આ શોરૂમમાં ટેસ્લાની મોડેલ Y SUV પ્રદર્શિત કરવામાં આવી, જે ચીનની શાંઘાઈ ફેક્ટરીમાંથી આયાત કરવામાં આવી છે. આ શોરૂમ ગ્રાહકોને ટેસ્લાની કાર અને ટેકનોલોજી નજીકથી જોવાની તક આપશે, જોકે હાલમાં ટેસ્ટ ડ્રાઈવ અને ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ નથી.
વાય મોડેલની કિંમત અને ફીચર્સ
મોડેલ Y, એક કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV ભારતમાં 60 લાખ રૂપિયાની શરૂઆતી ઓન-રોડ કિંમત (રિયર-વ્હીલ ડ્રાઈવ) સાથે ઉપલબ્ધ છે, જે કિંમત યુએસમાં 44,990 ડોલરથી વધુ છે, કારણ કે ભારતમાં 70 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગશે. આ ઉપરાંત, આ કાર 575 કિમીની રેન્જ આપે છે અને ઓટોપાયલટ, 15.4-ઈંચ ટચસ્ક્રીન, અને વૉઇસ-એક્ટિવેટેડ કંટ્રોલ જેવી ટેકનોલોજીથી સજ્જ છે. આ કારની ડિલિવરી સપ્ટેમ્બર 2025થી શરૂ થશે.
ભારતમાં ટેસ્લાની યોજનાઓ
ટેસ્લાની મુંબઈમાં એન્ટ્રી કર્યા પછી પાટનગર દિલ્હીમાં બીજો શોરૂમ ખોલવાનું આયોજન કરી રહ્યું છે. કંપનીએ મુંબઈના કુર્લા વેસ્ટમાં સર્વિસ સેન્ટર, બેંગલુરુમાં રજિસ્ટર્ડ ઑફિસ, અને પુણેમાં એન્જિનિયરિંગ હબ સ્થાપ્યું છે. હાલમાં, ટેસ્લા ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવતું નથી, પરંતુ ભવિષ્યમાં સ્થાનિક ઉત્પાદનથી કિંમતો ઘટી શકે છે. ટેસ્લાએ $1 મિલિયનની કાર અને એક્સેસરીઝ આયાત કરી છે.
આ પણ વાંચો….ઈલોન મસ્કની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, મુંબઈમાં આ તારીખે શરુ થશે પહેલું એક્સપીરિયંસ સેન્ટર…