આમચી મુંબઈ

કાંજુરમાર્ગમાં પરિવારજનોને ત્રાસ આપનારા ભાઇની હત્યા: પિતરાઇ સહિત ત્રણ પકડાયા

પિતરાઇએ આપી હતી હત્યા માટે ત્રણ લાખ રૂપિયાની સુપારી

મુંબઈ: કાંજુરમાર્ગ વિસ્તારમાં શસ્ત્રના ઘા ઝીંકી 41 વર્ષના રાજેશ મનબીરસિંહ સારવાનની કરાયેલી હત્યાનો કેસ પોલીસે ઉકેલી કાઢી મૃતકના પિતરાઇ સહિત ત્રણની ધરપકડ કરી હતી. રાજેશ દારૂના નશામાં પરિવારજનોને ત્રાસ આપતો હતો અને પિતરાઇ સાથે પણ ઝઘડા કરતો હતો. રાજેશના ત્રાસથી કંટાળીને પિતરાઇએ તેની હત્યાનો યોજના બનાવી હતી અને આ માટે ત્રણ લાખ રૂપિયાની સુપારી આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

કાંજુરમાર્ગ પોલીસે આ કેસમાં રાજેશના પિતરાઇ વિજય સારવાનની ધરપકડ કરી હતી, જ્યારે બે આરોપી રોહિત ચંડાલિયા (29) અને સાગર પિવાળ (30)ને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. બંનેને બાદમાં કાંજુરમાર્ગ પોલીસને હવાલે કરાયા હતા.

આપણ વાંચો: પત્નીની હત્યા કરી મૃતદેહના ટુકડા કૂકરમાં બાફ્યા? પૂર્વ સૈનિકે આચર્યું જધન્ય કૃત્ય

પોલીસના જણાવ્યા અનુસાર કાંજુરમાર્ગમાં મેટ્રો કારશેડ નજીક 19 જાન્યુઆરીએ રાજેશનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેના માથામાં શસ્ત્રના ઘા ઝીંકવામાં આવ્યા હતા. કાંજુરમાર્ગ પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી તપાસ આદરી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાજેશ દારૂનો વ્યસની હતો અને દારૂના નશામાં તેના પિતરાઇ સાથે ઝઘડા કરતો હતો. ઉપરાંત પરિવારજનોને પણ ત્રાસ આપતો હતો.

રાજેશના ત્રાસથી કંટાળીને પિતરાઇ વિજયે તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. આ માટે તેણે વિલે પાર્લેમાં રહેતા રોહિત અને સાગરનો સંપર્ક સાધ્યો હતો અને રાજેશની હત્યા માટે તેમને ત્રણ લાખ રૂપિયાની સુપારી આપી હતી. દરમિયાન રોહિત અને સાગર દારૂ પીવાને બહાને રાજેશને મેટ્રો કારશેડ નજીક લઇ ગયા હતા, જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button