હોટેલમાંથી પાર્સલ લઈ આવવાના વિવાદમાં મિત્રને પતાવી નાખ્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હોટેલમાંથી પાર્સલ લઈ આવવાને મુદ્દે થયેલા વિવાદમાં ચાર જણે બેરહેમીથી માર મારી મિત્રને પતાવી નાખ્યો હોવાની આંચકાજનક ઘટના કુર્લામાં બની હતી.
સાકીનાકા પોલીસના જણાવ્યા મુજબ કુર્લા-અંધેરી રોડ પર જરીમરી ખાતેની એકતા સોસાયટીમાં સોમવારની રાતે નવ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં જાવેદ અહમદ આશિક અલી ખાન (43)નું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે જાવેદના ભાણેજે નોંધાવેલી ફરિયાદને આધારે ચાર આરોપી મોહમ્મદ સહબાઝ સજ્જાદ હુસેન ખાન (21), જમાલ હુસેન મોહમ્મદ હુસેન ખાન (42), સજ્જાદ હુસેન મોહમ્મદ હુસેન ખાન (42) અને મોહમ્મદ આરીફ મોહમ્મદ હુસેન ખાન (32) વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપી અને મૃતક જાવેદ એકતા સોસાયટીમાં આવેલી રૂમમાં સાથે રહેતા હતા. સોમવારની રાતે આરોપીએ જાવેદને હોટેલમાંથી ફૂડ પાર્સલ લઈ આવવા કહ્યું હતું. જોકે પોતાની જમવાની ઇચ્છા ન હોવાથી જાવેદે પાર્સલ લાવવા હોટેલમાં જવાનો ઇનકાર કરી દીધો હતો.
કહેવાય છે કે આ મુદ્દે આરોપી અને જાવેદ વચ્ચે વિવાદ થયો હતો. ન જમવાનો હોવા છતાં પાર્સલ તારે જ લાવવું પડશે, અવું કહીને આરોપીઓએ ગાળાગાળી કરી હતી. બાદમાં જાવેદની મારપીટ કરવામાં આવી હતી. આરોપીએ બામ્બુ વડે માથા અને મોં પર ફટકારતાં જાવેદ બેભાન થઈ ગયો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે બેભાન થતાં પૂર્વે જાવેદે ભાણેજને ફોન કરી આરોપીઓએ તેની મારપીટ કરી હોવાનું કહ્યું હતું. પરિણામે જાવેદનો ભાણેજ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બેભાન જાવેદને કુર્લાની ભાભા હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આરોપીઓને તાબામાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી.



