પ્રોપર્ટીધારકોને ૨૫ મે સુધીમાં ટેક્સ ભરી દેવાની પાલિકાની અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં મુંબઈ મહાનગરપાલિકા માત્ર ૩,૧૯૫ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી હતી. પ્રોપર્ટી ટેક્સનો પોતાના લક્ષ્યાંક પૂરો નહીં કરી શકેલી પાલિકાના અસેસમેન્ટ એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટે જોકે ફરી એક વખત પ્રોપર્ટી ટેક્સધારકોને આપેલી મુદતમાં ટેક્સ ભરી નાખીને દંડાત્મક કાર્યવાહીથી બચવાની અપીલ કરી છે.
વર્ષ ૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષમાં પ્રોપર્ટી ટેક્સના બિલ ફેબ્રુઆરી, ૨૦૨૪ના અંતમાં મોકલવામાં આવ્યા હતા. તેથી પાલિકાએ નાગરિકોને ૨૫ મે, ૨૦૨૪ સુધીમાં બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ ભરી નાખવાની મુદત આપી છે અને સંભવિત દંડની કાર્યવાહી બચવા માટે કહ્યું છે.
આપણ વાંચો: પાલિકા પોતાના લક્ષ્યાંકના માત્ર ૫૦ ટકા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી
અસેસમેન્ટ એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટ તરફથી કર વસૂલી માટે જુદા જુદા પ્રકારની ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે. સોશિયમ મિડિયાના માધ્યમથી સંપર્ક કરીને તેમ જ હાઉસિંગ સોસાયટી ઘરદીઠ પણ ટેક્સ વસૂલી કરવાનું ચાલી રહ્યું છે. નાગરિકોને બાકી રહેલો ટેક્સ ભરી નાખે તે માટે જનજાગૃતિ પણ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પાલિકાએ આઠ એપ્રિલ, ૨૦૨૪ના રોજ કર ભરવા માટે ટોપ ટેન પ્રોપટી ટેક્સ ધારકોની યાદી બહાર પાડીને તેમને તાત્કાલિક ટેક્સ ભરી નાખવાની અપીલ પણ કરી હતી.