મલબારહિલ રિઝર્વિયરના પુન:બાંધકામ માટે પાલિકા મક્કમ?
પુન:બાંધકામની પદ્દતિને મુદ્દે સૂચનો મગાવતી નોટિસથી સ્થાનિકો નારાજ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલબાર હિલ રિઝર્વિયરની સોમવાર, ૧૮ ડિસેમ્બરના નિષ્ણાતો મુલાકાત લેવાના હોવાથી રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ- એકને ખાલી કરવામાં આવવાનું છે. તેથી સોમવારે દક્ષિણ મુંબઈના પાંચ વોર્ડમાં પાણીપુરવઠાને અસર થવાની છે.
આ દરમિયાન આ જળાશયનું સમારકામ કરવું કે તેને નવેસરથી બાંધવું તેને લઈને સ્થાનિકો પાસેથી સૂચનો મંગાવતી જાહેરાત આપવાને બદલે પાલિકાએ જળાશયના પુન:નિર્માણ માટેની પદ્ધતિના મુદ્દા પર સૂચનો આમંત્રિત કર્યા હતા, તેને કારણે સ્થાનિક રહેવાસીઓે નારાજગી વ્યક્ત કરીને પાલિકાની આ જાહેર નોટિસ સામે વાંધો ઉઠાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મલબારહિલ રિઝર્વિયરનું ભાવી નક્કી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ એક ટેક્નિકલ સમિતિની રચના કરી છે. લોકો પાસેથી આવેલા સલાહ-સૂચનો પર અભ્યાસ કર્યા બાદ તેમ જ રિઝર્વિયરની મુલાકાત લઈને અને તેનો ટેક્નિકલ અભ્યાસ બાદ સમિતિ મલબારહિલ રિઝર્વિયરનું સમારકામ કરવું તેને નવેસરથી બાંધવું તેને લઈને સલાહ આપવાની છે. જોકે તે અગાઉ પાલિકાએ નાગરિકો પાસેથી સલાહ-સૂચનો મગાવતી જાહેર નોટિસ પ્રકાશિત કરી હતી.
આ નોટિસમાં તેણે જળાશયના સમારકામ તેમ જ પુન:નિર્માણ માટે લોકો પાસેથી સૂચનો મગાવવાના હતા. જોકે તેને બદલે નોટિસમાં પાલિકાએ ફક્ત જળાશયા પુન:નિર્માણ માટેની પદ્ધતિના મુદ્દા પર જ સૂચનો આમંત્રિત કર્યા હતા. તેથી સ્થાનિકો નારાજ થઈને પાલિકાની આ જાહેર નોટિસ સામે વાંધો ઉઠાવ્યો છે. પાલિકાએ આ જળાશયનું સમારકામ કરવાને બદલે તેને નવેસરથી બાંધવા માટે મન મનાવી લીધું છે અને નાગરિકોને ફક્ત દિશાભૂલ કરી રહી છે એવી નારાજગી પણ સ્થાનિક નાગરિક વ્યક્ત કરી રહ્યા છે.
મળેલ માહિતી મુજબ મલબારહિલના ૬૦થી વધુ સ્થાનિક નાગરિકોએ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને પત્ર લખ્યો છે, જેમાં મલબારહિલ રિઝર્વિયરના પુન:નિર્માણની યોજનાને માંડી વાળીને અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને સમારકામ કરવાની અપીલ કરી છે. આ દરમિયાન પાલિકાએ નોટિસ આપી લોકો પાસેથી મગાવેલા સૂચનો સામે શુક્રવાર સુધીમાં પાલિકાને નાગરિકો પાસેથી ૧૪૯ સૂચનો આવ્યા હતા.
નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકા તરફથી મલબાર હિલ જળાશયના પુન:બાંધકામનું કામ હાથમાં લેવામાં આવવાનું છે. આ કામને કારણે ૩૮૯ ઝાડને અને મલબાર હિલ ટેકરી પરિસરને તેમ જ મુંબઈના પ્રખ્યાત હેગિંગ ગાર્ડનને પણ અસર થવાની છે. તેથી રિઝર્વિયરના પુન:બાંધકામ સામે સ્થાનિક નાગરિકો અને બિનસામાજિક સંસ્થાઓ વિરોધ કર્યો છે.
તેથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (આઈ.આઈ.ટી)ના પ્રોફેસર, સ્થાનિક નાગરિક અને પાલિકાના અધિકારીઓનો સમાવેશ રહેલી નિષ્ણાતોની સમિતિ સ્થાપવામાં આવી છે. આ સમિતિ ગયા અઠવાડિયે એક વખત રઝર્વિયરની મુલાકાત લઈ ચૂકી છે અને હવે સોમવારે સવારના ૮થી ૧૦ વાગ્યાના સમય દરમિયાન રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ એકનું નિરીક્ષણ કરવાના છે.
મલબાર હિલ મેઈન રિઝર્વિયરમાં પાંચ કમ્પાર્ટમેન્ટ છે. તેમાંથી નિષ્ણાતોની પેનલ કમ્પાર્ટમેન્ટ એકનું અંદરથી નિરીક્ષણ કર્યા બાદ હવે સોમવારે કમ્પાર્ટમેન્ટ એકનું નિરીક્ષણ કરવાના છે. તે માટે રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટને ખાલી કરવામાં આવવાનું છે. તેથી આ કમ્પાર્ટમેન્ટમાંથી દક્ષિણ મુંબઈના જે વોર્ડમાં પાણીપુરવઠા કરવામાં આવે છે, તેને અસર થવાની છે.