આમચી મુંબઈ

મુંબઈમાં 69 કુદરતી અને 204 કૃત્રિમ જગ્યાએ વિસર્જનની વ્યવસ્થા સાથે પાલિકા સજ્જ

મુંબઈઃ શહેરમાં ગણેશોત્સવ લઈને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વર્ષે મહત્તમ વિવિધ સુવિધાઓ પૂરી પાડી છે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ અનંત ચતુર્દશીના રોજ શ્રી ગણેશ મૂર્તિના વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરી છે.
મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણી, એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઉપનગરો) ડૉ. અમિત સૈનીના માર્ગદર્શન હેઠળ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ ૧૨ હજાર અધિકારીઓ-કર્મચારીઓ ૭૧ કંટ્રોલ રૂમ અને અન્ય વિવિધ સુવિધાઓથી સજ્જ કરાયા છે.

ડેપ્યુટી કમિશનર (સર્કલ ૨) અને ગણેશોત્સવ સંયોજક પ્રશાંત સપકાળેએ માહિતી આપી છે કે આ વર્ષે ગણેશ મૂર્તિ વિસર્જન માટે ૬૯ કુદરતી સ્થળો સહિત કુલ ૨૦૪ કૃત્રિમ વિસર્જન સ્થળોની વ્યવસ્થા છે.
સ્વરાજ્ય ભૂમિ (ગીરગાંવ ચોપાટી) ખાતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડી વિભાગ દ્વારા ભક્તોને વિવિધ નાગરિક સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેનું નિરીક્ષણ કમિશનર સહીત વરિષ્ઠ અધિકારીઓએ કર્યું હતું. ડેપ્યુટી કમિશનર પ્રશાંત સપકાળેએ આપેલી માહિતી મુજબ મુંબઈમાં ઘરેલું તેમજ સાર્વજનિક શ્રીગણેશની મૂર્તિઓના વિસર્જનની તૈયારીઓ છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે.

ચોપાટીના કિનારે ૪૭૮ સ્ટીલ પ્લેટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રી ગણેશ મૂર્તિ વિસર્જન માટે આવતા વાહનો રેતીમાં ફસાઈ ન જાય અને નાની ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે વિવિધ સ્થળોએ ૪૩ જર્મન રાફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, સુરક્ષા માટે ૭૬૧ લાઈફગાર્ડ સાથે ૪૮ મોટરબોટ ચોપાટી પર તૈનાત કરવામાં આવી છે. વિસર્જન પૂર્વે ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા નિર્માલ્યને એકત્ર કરવા માટે ૧૬૩ નિર્માલ્ય કળશ સહિત ૨૭૪ નિર્માલ્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના કર્મચારીઓ વચ્ચે યોગ્ય સંકલન માટે મુખ્ય કંટ્રોલ રૂમની સાથે વહીવટી વિભાગોના સ્તરે ૧૯૨ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ ૬૬ નિરીક્ષક ટાવર ઉભા કરવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ ૭૨ રિસેપ્શન રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ૭૫ પ્રાથમિક સારવાર કેન્દ્રો સાથે ૬૭ એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે.

અસરકારક લાઇટિંગ નિયોજન માટે ‘બીઈએસટી’ના સહયોગથી થાંભલાઓ અને ઊંચા સ્થળો પર લગભગ ૧,૦૯૭ ફ્લડલાઇટ્સ અને ૨૭ સર્ચલાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. વિસર્જન માટે આવતા નાગરિકોની સુવિધા માટે ૧૨૭ મોબાઈલ ટોઈલેટ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ મહાનગરપાલિકા દ્વારા કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડના સુસજ્જ વાહનો સાથે પ્રશિક્ષિત માનવબળ તૈનાત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગણેશ ભક્તોને ક્યૂઆર કોડ દ્વારા કૃત્રિમ તળાવોની માહિતી પણ મળશે. આ ‘ક્યૂઆર કોડ’ સ્કેન કર્યા પછી, મુંબઈના કૃત્રિમ તળાવો વિશેની માહિતી અને ગુગલ મેપ લિંક શ્રદ્ધાળુઓને ઉપલબ્ધ થશે. તેનાથી મુંબઈમાં આ વર્ષના ગણેશોત્સવને વધુ ઈકો-ફ્રેન્ડલી બનાવવામાં મદદ મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button