મુમ્બ્રા લોકલ ટ્રેન અકસ્માત: એક ‘બેગ’ બની પાંચ લોકોના જીવનું કારણ? તપાસ સમિતિનો ચોંકાવનારો ખુલાસો…

ફૂટબોર્ડ પર મુસાફરની બહાર નીકળેલી બેગ વિરુદ્ધ દિશાની ટ્રેન સાથે અથડાઈ હતી…
મુંબઈ: આ વર્ષે જૂન મહિનામાં મુંબ્રામાં થયેલા અકસ્માતનું કારણ હવે સામે આવ્યું છે. મધ્ય રેલવેની તપાસ સમિતિએ આ અકસ્માત એક મુસાફરની બેગના કારણે થયો હોવાનું જણાવ્યું છે. આ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. સમિતિનો રિપોર્ટ ટૂંક સમયમાં જનરલ મેનેજરને સુપરત કરવામાં આવશે.
આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત બાદ મુસાફરોમાં શંકા અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે મધ્ય રેલવેએ અકસ્માતનું ચોક્કસ કારણ શોધવા માટે પાંચ વરિષ્ઠ અધિકારીઓની તપાસ સમિતિની નિમણૂક કરી હતી. પ્રારંભિક તારણો મળ્યા બાદ લગભગ ત્રણ મહિના પછી સમિતિ હવે રેલવે વહીવટીતંત્રને એક અહેવાલ સુપરત કરી રહી છે.
મળેલી માહિતી અનુસાર સીએસએમટી – કર્જત લોકલના નવમા અને દસમા કોચના ફૂટબોર્ડ પર ઉભેલા મુસાફરની બેગ લગભગ 30 સેમી બહાર હતી, જેથી વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કસારા-સીએસએમટી લોકલ ટ્રેનના બીજા અને ત્રીજા કોચના ફૂટબોર્ડ પર ઉભેલા મુસાફરો સાથે બેગ અથડાઈ હતી.
પરિણામે મુસાફરો એકબીજા સાથે અથડાયા, કેટલાક ટ્રેનની અંદર તો કેટલાક પાટા પર પડી ગયા. સમિતિના અધિકારીઓનું કહેવું છે કે કસારા-સીએસએમટી લોકલની બારીઓ પરના ઘસરકા પણ આ બેગના કારણે થયા હશે.
નાનું કારણ, મોટી દુર્ઘટના
કર્જત લોકલમાં એક મુસાફર ફૂટબોર્ડ પર ઊભો રહીને પોતાની બેગ સરખી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે સામેથી આવતી કસારા-સીએસએમટી લોકલ સાથે અથડાઈ ગયો. તેના પડી જવાથી ચેઇન રિએક્શન થયું હતું જેમાં સાત અન્ય લોકો પણ પડી ગયા હતા. તેમાંથી પાંચના મોત થયા હતા, જ્યારે ત્રણને ઇજા થઈ હતી.
આ લોકલ ટ્રેન 100-110 કિમી/કલાકની ઝડપથી દોડતી હોય છે, ત્યારે બે ટ્રેનો વચ્ચે ફક્ત 0.75 મીટરનું અંતર હોય છે. રેલવે અધિકારીઓએ નોંધ્યું હતું કે આવી સ્થિતિમાં એક નાનું કારણ પણ મોટા અકસ્માતનું નિમિત્ત બની શકે છે.
મુંબ્રા અકસ્માતનો રિપોર્ટ મંજૂર થયા પછી તેને રેલવે બોર્ડને મોકલવામાં આવશે. આ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તપાસ સમિતિએ જે ભલામણો કરી છે તેમાં ફૂટબોર્ડ પર મુસાફરી કરનારાઓ સામે કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…મુમ્બ્રા ટ્રેન દુર્ઘટનાઃ જાણો છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા પ્રવાસીઓએ અકસ્માતમાં ગુમાવ્યા જીવ?