દુર્ગા માતાની મૂર્તિ ‘ખંડિત’ થતાં બે જૂથ વચ્ચે અથડામણ: સાતની ધરપકડ

મુંબઈ: માનખુર્દમાં સાંકડી ગલીમાંથી પસાર થતી વખતે માતા દુર્ગાની પ્રતિમા કથિત રીતે ખંડિત થતાં બે જૂથ સામસામે આવી ગયા હતા. બન્ને જૂથના યુવાનો વચ્ચે અથડામણ થતાં સમગ્ર પરિસરમાં તંગદિલીભર્યું વાતાવરણ થઈ ગયું હતું. પોલીસે ઘટનાસ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઈ સાત જણની ધરપકડ કરી હતી.
માનખુર્દ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાતે બની હતી. સોમવારથી શરૂ થયેલા નવરાત્રોત્સવની પૂર્વ તૈયારી રૂપે માનખુર્દના સાર્વજનિક મંડળ દ્વારા દેવીની મૂર્તિ લાવવામાં આવી રહી હતી.
કહેવાય છે કે સાંકડી ગલીમાંથી મૂર્તિ લઈ જતી વખતે મંડળના અમુક કાર્યકરોની નજર પ્રતિમાના હાથ પર ગઈ હતી. મૂર્તિ ખંડિત થઈ હોવાનું જણાતાં બન્ને જૂથે આ માટે એકબીજા પર દોષારોપણ કર્યું હતું, જેને પગલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતાંમાં બન્ને જૂથના યુવાનો બાખડી પડ્યા હતા.
બે જૂથ વચ્ચે મારામારી થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જવું પડ્યું હતું. પોલીસે બન્ને જૂથના લોકોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. આ પ્રકરણે સાત આરોપીની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મૂર્તિ સાંકડી ગલીમાંથી લઈ જતી વખતે ખંડિત થઈ હતી. પોલીસની મધ્યસ્થી પછી પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)