મુંબઈની હવાની ગુણવત્તા સુધરાઈ ક્લાઉડ સીડિંગનો પ્રોજેક્ટ હાલ પૂરતો અભેરાઈ પર!!!!
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ સામેની કાર્યવાહી અને દરરોજ રસ્તાઓ ધોવા જેવી અનેક ઉપાયયોજનાને કારણે મુંબઈની હવાની ગુણવત્તા (એર ક્વોલિટી ઈન્ડેક્સ) સુધરી હોવાનો દાવો મુંબઈ મહાનગર પાલિકાના અધિકારી બાદ રવિવારે મુખ્ય પ્રધાને કર્યો હતો. મુંબઈની હવાની ગુણવત્તા સુધરી રહી હોવાને કારણે પાલિકાની ક્લાઉડ સીડિંગ (કૃત્રિમ વરસાદ) યોજના હાલ પૂરતી અભેરાઈ પર ચઢી જાય એવી શક્યતા છે.
મુખ્ય પ્રધાનના નિર્દેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ માટે ક્લાઉડ સીડિંગની યોજના હાથ ધરી હતી અને તે માટે કૉન્ટ્રેક્ટર પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મગાવ્યા હતા. નવી મુંબઈ અને કર્ણાટકની બેંગલુરુ સ્થિત ત્રણ કંપીઓએ ડિસેમ્બરમાં આ કામ માટે રસ દાખવ્યો હતો. જોકે પાલિકાએ હજી સુધી આ પ્રસ્તાવ પર કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલી અનેક યોજનાને કારણે શહેરના એર ક્વોલિટી ઈન્ડેક્સને જોખમી શ્રેણીમાંથી મધ્યમ શ્રેણીમાંલાવવામાં મદદ મળી રહી છે. તેથી પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે કરોડો રૂપિયા ખર્ચીને ક્લાઉડ સીડિંગ કરવા માટે અમે કોઈ ઉતાવળ કરવા માગતા નથી. એ ઉપરાંત અમારે જે કંપનીઓએ બીડ કરી છે, તેમના દસ્તાવેજો ચકાસવા સહિત તેમના અનુભવ અને ક્ષમતાની પણ તપાસ કરવાની છે.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે મુંબઈમાં હવાની ગુણવત્તા કેવી રહેશે તે અનિશ્ર્ચિત છે. તેથી સાવચેતીના પગલા તરીકે અમે ક્લાઉડ સીડિંગનો વિકલ્પ પણ ખુલ્લો રાખશું. અમે પ્રોજેક્ટનો વિગતવાર અભ્યાસ કરશું અને પછી આગળ વધશું.
નોંધનીય છે કે પ્રશાસને દુબઈ સ્થિત કંપની સાથે પણ ક્લાઉડ સીડિંગને મુદ્દે વાતચીત કરી છે, જે આ ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે. જોકે કંપની પાસે તેમને હજી સુધી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.