મુંબઈનું વાતાવરણ બન્યુ ફરી ઝેરી સૌથી વધુ પ્રદૂષણ બીકેસીમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની હવા ફરી એક વખત પ્રદૂષિત બની ગઈ છે. દિવસ દરમિયાન મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૦ની પાર પહોંચી ગયો હતો. મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ ૨૦૦ની ઉપર નોંધાયો હતો. તો બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં સૌથી વધુ પ્રદૂષણ રહ્યું હતું.
મુંબઈગરા ફરી પોતાના શ્ર્વાસમાં ઝેર ભરી રહ્યા છે. થોડા દિવસ દરમિયાન વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર થોડું સુધર્યું હતું. જોકે અઠવાડિયાથી ફરી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. શુક્રવારે સૌથી વધુ પ્રદૂષણ બાંદ્રા-કુર્લા-કૉમ્પલેક્સમાં નોંધાયું હતું. અહીં દિવસ દરમિયાન એક્યુઆઈ ૩૦૬ જેટલો ઊંચો નોંધાયો હતો.
મુંબઈમાં પણ સવારના સમયે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ લગભગ ૨૦૦ની આસપાસ ઊંચો નોંધાયો હતો. મોડી સાંજના એક્યુઆઈ ૧૭૫ નોંધાયો હતો. તો કોલાબામાં એક્યુઆઈ ૨૧૬, બીકેસીમાં ૩૦૬, અંધેરીમાં ૨૦૮, મલાડમાં ૨૬૩ અને બોરીવલીમાં એક્યુઆઈ ૨૦૯ નોંધાયો હતો.